Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ગુજરાતમાં નાર્કોટીકસ પ્રવૃતી રોકવા માટેના નવતર કાયદાની પીઆઇટીએનડીપીએસની કલમ લગાડવાનો અમદાવાદથી પ્રારંભ

દારૂના પગલે ગુજરાતમાં કેફી પદાર્થોની પ્રવૃતિઓ અટકાવવા માટે નવા કાયદાનો અમલ કરાવતા એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલ : જામીન પર મુકત થયા બાદ વારંવાર ગુન્હાઓ કરવાની ટેવવાળા શખ્સને ભુજ જેલમાં મોકલી અપાયોઃ સીઆઇડી વડા આશીષ ભાટીયાએ મંજુરીની મ્હોંર મારતા કાર્યવાહી

રાજકોટ, તા., ૨૦: ગુજરાત પોલીસ તંત્રના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત અગાઉ નાર્કોટીકસના ગુન્હામાં પકડાયા હોવા છતા વારંવાર આવા ગુન્હાઓ કરવાની ટેવવાળા અમદાવાદના મોહમદ આરીફ મોહમદ હારૂન કુરેશી (ઉ.વ.ર૯) નામના યુવાન સામે કાયદાના બંધનમાં જકડી રહેવા અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલે નવા કાયદા પીઆઇટી એનડીપીએસ એકટ મુજબ સીઆઇડી વડા આશીષ ભાટીયા સમક્ષ દરખાસ્ત કરતા તેઓએ મંજુરીની મ્હોર મારતા આરોપીની અટક કરી ભુજ સબ જેલમાં મોકલી આપવામાં આવેલ છે.

અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંહ તથા ઇન્ચાર્જ સંયુકત પોલીસ કમિશ્નર (ક્રાઇમ બ્રાન્ચ) જે.આર.મોથલીયા દ્વારા ડીજીપી શિવાનંદ ઝાના અભિયાન મુજબ નાર્કોટીકસની બદી સંપુર્ણપણે નાબુદ કરવા માટે અપાયેલી સુચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આવી કાર્યવાહીની મંજુરી આપવાની સતા સીઆઇડી ક્રાઇમના ડીજીપીને છે.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી મૂળ અમદાવાદના વતની છે. આ અગાઉ તે ગાંધીનગર જીલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેર ડીસીપી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન  એકટ તથા ધી એનડીપીએસએફની કલમ મુજબ ગુન્હા દાખલ થયેલ. આમ છતા આ આરોપી વારંવાર નાર્કોટીકસના ગુન્હાઓ આચરતો હતો. આમ નવા કાયદા મુજબ તેની સામે મદદનીશ પોલીસ કમિશ્નર એસઓજી તથા પીઆઇ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ વિગેરે દ્વારા આ કાર્યવાહીને આખરી ઓપ આપવામાં આવેલો. (૪.૫)

પીઆઇટીએનડીપીએસ એકટની દરખાસ્ત મંજુર કરવાની સતા ફકત સીઆઇડી  ક્રાઇમના ડીજીપીને જ છે

રાજકોટઃ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા દારૂની માફક ગુજરાતમાં કેફી પદાર્થોનું દુષણ અટકાવવા તથા આવા ગુન્હાની કલમનો વારંવાર ભંગ કરવાની ટેવવાળા શખ્સો સામે નાર્કોટીકસ પ્રવૃતિ રોકવા માટે અમલમાં આવેલા પીઆઇટી એનડીપીએસ એકટ મુજબની કાર્યવાહી કરતા અગાઉ આવી મંજુરી મેળવવાની હોય છે.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આવી મંજુરી આપવાની સતા ફકત સીઆઇડી ક્રાઇમના વડાને જ હોવાથી, આ દરખાસ્ત સીઆઇડી વડા આશીષ ભાટીયા સમક્ષ રજુ કરવામાં આવી હતી.

(12:08 pm IST)