Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વલસાડ પ્રાણધામ ખાતે પૌષધશાળાનું ઉદ્દઘાટન

ગોંડલ સંપ્રદાય વરિષ્ઠા પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.ના ૮૮મા જન્મોત્સવ પ્રસંગે : પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.નો ૭૨ વર્ષનો સુદીર્ઘ સંયમ પર્યાય, એક લાખ કિલોમીટરનો વિહાર

રાજકોટ,તા.૨૦: ગોંડલ સંપ્રદાયના વરિષ્ઠા,શ્રમણી શ્રેષ્ઠા,ચારિત્ર જયેષ્ઠા પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.નો ૮૮ મો જન્મોત્સવ રવિવાર તા.૨૨ના વલસાડ મગોદ, પ્રાણધામની પૂણ્ય ભૂમિ ઉપર તપ ત્યાગપૂર્વક ઉજવાશે.

રાણપૂર સોરઠ નિવાસી ધર્માનુરાગી જયાચંદભાઈ ચોવટીયા તથા રત્નકુક્ષિણી અનશન આરાધિકા માતુશ્રી ગંગા મૈયાની કૂખે વિ.સં.૧૯૮૮ શ્રાવણ વદ પાંચમના તેઓનો જન્મ થયો.

સૌરાષ્ટ્ર કેસરી પૂ.ગુરૂદેવ પ્રાણલાલજી મ.સા.એવમ્ ગુરુણી મૈયા પૂ.મોતીબાઈ મ.સ.એ પાંચ વર્ષની બાલિકાને કહ્યું કે ચાલો...હવે સ્વના આત્માની ચોવટ કરીએ. ચોવટીયા પરિવારે સહર્ષ સ્વીકૃતિ આપી.જ્ઞાનાભ્યાસ ચાલુ કર્યો. ૨૨ - ૪ - ૧૯૪૮ ના શુભ દિવસે પંદર વર્ષની વયે તેઓએ સાવરકુંડલાની સોનેરી ધરા ઉપર પૂ.ગુરુ પ્રાણના શ્રી મુખેથી ' કરેમિ ભંતે 'નો પાઠ ભણી, ગુરૂણી મૈયા પૂ.મોતીબાઈ મ.સ.નું અણમોલ મોતી બનવા પુરૂષાર્થશીલ બન્યાં. એ સમયે એક સાથે ત્રણ દીક્ષા થયેલ.સંયમ ધર્મ અંગીકાર કરી જ્ઞાનની સાથે સેવા - વૈયાવચ્ચને તેઓએ પોતાનો પ્રાણ બનાવ્યો.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.એ બગસરાથી લઈને બનારસ,વડીયાથી લઈને વિલે પાર્લા,કાલાવડથી લઈને કોલકત્તા અને રાજકોટથી લઈને રાયપૂર સુધીના વિવિધ ક્ષેત્રોમાં ચાતુર્માસ કરી જિન શાસનની જબરદસ્ત શાસન પ્રભાવના કરી. તેઓ છેક નેપાળ, કાઠમંડુ સુધી પણ વિચરણ કરેલું છે. જે ભૂમિ ઉપર ૨૦ - ૨૦ તીથઁકર પરમાત્માઓ નિર્વાણ પામ્યા છે,એ પાવન અને પવિત્ર ભૂમિ ઉપર પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.એ પાંચ - પાંચ વખત શ્રી સમેત્તશિખરજી ક્ષેત્રની સ્પર્શના કરેલ છે. સૌરાષ્ટ્રની પૂનિત ભૂમિ પાલિતાણા હોય કે જુનાગઢ દરેક ક્ષેત્રોમાં તેઓએ વિચરણ કરેલું છે. છેલ્લા થોડા વર્ષોથી તેઓ નાદુરસ્ત આરોગ્યને કારણે વલસાડ પાસે મગોદ પ્રાણધામ ખાતે સ્થિરવાસ બીરાજમાન છે.પ્રાણધામની પાવન ભૂમિ ઉપર સ્થાનકવાસી તેમજ મૂર્તિપૂજક સમુદાય પૂ.સંત - સતિજીઓનું આવાગમન પણ રહે છે.

પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.નું ચિંતન અન્યથી અનોખું. તેઓએ પ્રાણ પ્રસાદી,પ્રાણ પ્રવચન, પ્રાણ પ્રબોધ, પ્રાણ પમરાટ જેવા અનેક જ્ઞાનસભર પુસ્તકોનું આલેખન કરી જિન શાસનને જીવંત રાખવામાં નિમિત્ત બન્યા.

તેઓની ઉંમર ૮૮ વર્ષ તેમાં ૭૨ વર્ષનો સુદીર્ઘ સંયમ પર્યાય અને જયાં સુધી પૂજયશ્રીને શરીરે સાથ આપ્યો ત્યાં સુધી લાખો કિલોમીટરનો પગપાળા વિહાર કરી ગોંડલ સંપ્રદાયની આન, બાન, શાન વધારી. તેઓએ પાંચ - પાંચ વખત વર્ષીતપની આરાધના કરી પ્રભુ આદીનાથે કંડારેલ તપ ધર્મની જયોતને જલતી રાખી.તેઓના શિષ્યા રત્ના સાધ્વીજીઓ પૂ.પ્રજ્ઞાજી મ.સ.,પૂ.શૈલાજી મ.સ., પૂ.ડો. વીરલજી મ.સ. તથા પૂ.પ્રિયલજી મ.સ.પણ તપ માર્ગમાં ઝૂલતા હોય છે.

પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.એ જયાં - જયાં વિચરણ કર્યું તે દરેક ક્ષેત્રોમાં પ્રભુ મહાવીરે પ્રરૂપેલ દાન ધર્મનો મહિમા સરળ શૈલીમાં સમજાવતા અને દાતાઓને પરિગ્રહ ત્યાગ કરવા સદ્દબોધ આપતા.તેઓની પ્રેરણાથી ટાટાનગરમાં જૈન સાધર્મિકો માટે જૈન ચાલનું નિર્માણ થયું.આયંબિલ ભવન, પ્રવચન અને પ્રાર્થના હોલ સર્જાયા. આસનસોલમાં પ્રથમ માળ પૂ.મ.સ.ની પ્રેરણાથી થયો.પેટરબાર ચક્ષુ ચિકિત્સાલય તથા ચાસબોકારો કોલેજમાં દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો.રાણપૂર અને જુનાગઢ વચ્ચે આવેલ ગોપાલગઢમાં શાતાકારી ઉપાશ્રય થયો.

રાજકોટ સરદારનગર શ્રી સંઘમાં ૧૯૯૨ના સમૂહ ચાતુર્માસમાં પૂ.ભાગ્યવંતાજી મ.સ.ના અનશન સમયે તેઓની પ્રેરક ઉપસ્થિતિ હતી.

રાજકોટ રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘમાં ૧૯૯૯ માં પૂ.પિયુષમુનિ મ.સા.એવમ્ પૂ.પ્રિયલબાઈ મ.સ.ની દીક્ષા મહોત્સવ અવસરે ગુરુણી મૈયા પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.નો ઉત્સાહ અવિસ્મરણીય એવમ્ અદ્ગિતીય હતો.તેઓ કહેતા કે સંસારીના ત્યાં પૂત્ર કે પૂત્રીનો જન્મ થાય તો તેઓના પરિવારજનોને ખૂશી થાય.જયારે કોઈ આત્માઓ દીક્ષા અંગીકાર કરે એટલે એવું કહેવાય છે કે છકાયના જીવો સાથે પંચ મહાવ્રતધારીઓ પણ પ્રસન્નતાની અનુભૂતિ કરે.

આગામી શનિ અને રવિવારે પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.નો ૮૮ મો જન્મોત્સવ,પૂ.પ્રજ્ઞાબાઈ મ.સ.ની ૫૦ મી સૂવર્ણ દીક્ષા જયંતિ તથા શામકુંવરબેન ચીમનલાલ દોશી હસ્તે અ.સૌ.તનુજાબેન ગુણવંતરાય દોશી પૌષધશાળાનું ઉદ્દઘાટન છે. ત્રિવેણી સંગમ કાર્યક્રમ અવસરે પ્રાણધામ મગોદ,વલસાડ ખાતે સ્વામી વાત્સલ્ય સહિત અનેક આયોજનો કરેલા છે.ભાવિકોને લાભ લેવા નમ્ર અનુરોધ છે. (સંકલનઃ મનોજ ડેલીવાળા,રાજકોટ)

(11:36 am IST)