Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

આમોદમાં ઉભા પાકને નુકશાન કરતાં રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા માટે ખેડૂતોની માંગણી

આમોદનગર તેમજ ભીમપુરની સીમમાં ઉભા પાકમાં રખડતાં ઢોરો ઘુસી જતાં ખેડૂતોને પારાવાર નુકશાની

આમોદનગર તેમજ ભીમપુરની સીમમાં ઉભા પાકમાં રખડતાં ઢોરો ઘુસી જતાં હોય ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવી પડે છે તેમજ ખેતીને નુકશાન કરતા રખડતાં ઢોર બાબતે ગોપાલકને કહેવા જતાં ગોપાલકો તેમજ ખેડૂતો સાથે સંઘર્ષના બનાવો બને છે. ચાર દિવસ પહેલા પણ ખેડૂતે પોતાના ખેતરમાં ઉભા પાકને નુકશાન કરતી ગાયને તગેડતા ગોપાલક દ્વારા ખેડૂત પ્રતીક પટેલને ઢોર માર માર્યો હતો.ખેડૂતો તેમજ ગોપાલકો સાથે અવારનવાર સંઘર્ષના બનાવો બનતા હોય આજ રોજ ભીમપુરા તેમજ આમોદના ખેડૂતોએ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

    ખેડૂતોના જણાવ્યા મુજબ આમોદ નગર તેમજ ભીમપુરાની સીમમાં ગોપાલકો દ્વારા રખડતાં ઢોર છુટા મૂકી દેવામાં આવે છે જેથી ખેડૂતોએ ઉભો કરેલો તૈયાર પાક રખડતાં ઢોર નુકશાન પહોંચાડી રહ્યા છે આ ઉપરાંત ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં ઘુસી આવીને નુકશાન કરતા ઢોરને તગેડવામાં આવે છે તો માથા ભારે ગોપાલકો દ્વારા ખેડૂતો ઉપર જીવલેણ હુમલો કરી માર મારવામાં આવે છે. ખેતરમાં પશુઓને છુટા મૂકી દેવાનું કામ માત્ર દિવસે જ નહીં પણ રાત્રે પણ કરવામાં આવે છે અને ખેડૂતના ખેતીના પાકને ભયંકર નુકશાન કરવામાં આવે છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સીમાડામાં કોઈ પણ પ્રકારની ગૌચરની જમીન આવેલી નથી.

(10:30 pm IST)