Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

PSIમાંથી પીઆઇ તરીકેના પ્રમોશન સામે સ્ટે આખરે દૂર

પીએસઆઇ વર્તુળમાં ભારે રાહત-ખુશીની લાગણીઃ ગુજરાતના પીએસઆઇના પ્રમોશનની પ્રક્રિયા આ કેસમાં વડી અદાલતના અંતિમ ચુકાદાને આધીન રહેશે : હાઇકોર્ટ

અમદાવાદ, તા.૨૦: અમદાવાદમાં રાજ્યના સેંકડો પોલીસ સબ ઇન્સપેક્ટર માટે હાઇકોર્ટે આજે એક મોટી રાહત આપતો હુકમ કર્યો હતો.  રાજયમાં પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનની પ્રક્રિયા પર અગાઉ મુકેલો સ્ટે આજે ગુજરાત હાઈકોર્ટે હટાવી લીધો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશન પરનો સ્ટે હટી જતાં રાજય પોલીસતંત્રમાં ખાસ કરીને પીએસઆઇ વર્તુળમાં ભારે રાહતની અને ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. રાજયમાં પોલીસ સબ ઇન્સ્પેકટરમાંથી પોલીસ ઇન્સ્પેકટરની પ્રમોશન અંગેની ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી વિવિધ રિટ અરજીઓની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે આજે ઉપરોકત રાહત આપી હતી. હાઇકોર્ટે જણાવ્યુ હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને પોલીસની કામગીરી ઘણી મહત્વની છે. પ્રમોશનની પ્રક્રિયા પર રોક લગાવાથી કાયદો વ્યવસ્થા પર તેની તેની સીધી અસર પડે છે. આ સંજોગોમાં પીએસઆઇમાંથી પીઆઇ તરીકેના પ્રમોશનની પ્રક્રિયા પર અગાઉ મૂકેલો સ્ટે હટાવી લેવાનું ન્યાયોચિત જણાય છે, તેથી અદાલત અગાઉનો સ્ટે ઉઠાવી લે છે. જો કે, સાથે સાથે હાઇકોર્ટે એ બાબત પણ સ્પષ્ટ કરી હતી કે, રાજ્યના પીએસઆઇના પ્રમોશનની પ્રક્રિયા આ કેસમાં હાઇકોર્ટના અંતિમ ચુકાદાને આધિન રહેશે. હાઇકોર્ટે કરેલા આ ચુકાદાનો અમલ તા.૩ જીઓક્ટોબર બાદ થઇ શકશે તેવી પણ અદાલતે તાકીદ કરી હતી. હાઇકોર્ટના આજના ચુકાદાને પગલે રાજયભરમાં સમગ્ર પોલીસતંત્ર ખાસ કરીને પીએસઆઇ આલમમાં ભારે રાહત અને ખુશીની લાગણી ફેલાયેલી જોવા મળી હતી કારણ કે, તેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા અને તેના આડેનો અંતરાય મોડે મોડે પણ દૂર થતાં તેમને હાશકારો થયો હતો.

(11:04 pm IST)