Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કોંગી કાર્યકરો સહિત ટોળા સામે રાયોટીંગની ફરિયાદ

ખેડૂત આક્રોશ રેલીમાં પથ્થમારાનનો કેસ : ઘાયલ કોન્સ્ટેબલ પ્રવીણ ચૌધરી દ્વારા ગાંધીનગર સેકટર-૭ પોલીસમથકમાં સમગ્ર મામલા અંગે ફરિયાદ નોંધાવાઇ

અમદાવાદ, તા.૨૦ : ખેડૂતોના પ્રશ્ને મંગળવારે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના સેકટર-૬માં સત્યાગ્રહ છાવણીમાં વિશાળ ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. સભા પૂૂરી થયા બાદ રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરો અને લોકો વિધાનસભા તરફ જઇ રહ્યા હતા ત્યારે આશરે ૧૦૦૦ લોકોના ટોળાએ સૂકા નાળિયેર અને પથ્થર બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓ પર ફેંક્યા હતા, જેમાં કેટલાક પોલીસકર્મીને વાગ્યા હતા, જેમાં એક પોલીસકર્મીને માથામાં પથ્થર વાગતા ગંભીર ઇજા થઇ હતી. આ સમગ્ર મામલે સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરો સહિત ૧૦૦૦ લોકો વિરૂદ્ધ રાયોટિંગ, પોલીસ પર હુમલો અને જાહેરનામા ભંગ બદલના ગુનો દાખલ કરાતાં ભારે ચકચાર મચી ગઇ છે. કોંગ્રેસપક્ષે સરકારના ઇશારે આવી કિન્નાખોરી રાખી કાર્યવાહી થઇ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને રાયોટીંગ સહિતનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયાને વખોડી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા મંગળવારે રાજયના ખેડૂતોના પ્રશ્ને ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું હતુ અને સભા પૂરી થયા બાદ કોંગ્રેસના કાર્યકરો સહિત ૧૦૦૦ થી વધુ લોકોનું ટોળું વિધાનસભા તરફ ઘેરાવ માટે જઇ રહ્યું હતું. ટોળું પથિકાશ્રમ પાસે પહોંચ્યું ત્યારે પોલીસે તેઓને રોકી વિખેરાઇ જવા જણાવ્યું હતું છતાં પણ ટોળા દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા. દરમ્યાનમાં વિટકોસ બસ સ્ટેશન તરફથી ટોળાંએ સૂકા નાળિયેર અને પથ્થર પોલીસકર્મીઓ પર ફેંક્યા હતા. જેમાં કેટલાક પોલીસકર્મીઓને પથ્થર વાગ્યા હતા અને નાની મોટી ઇજા થઇ હતી. જ્યારે વડોદરા પીટીએસ ખાતે ફરજ બજાવતા અને બંદોબસ્તમાં આવેલા કોન્સ્ટેબલ પ્રવીણભાઇ ચૌધરીને માથામાં પથ્થર વાગતા તેઓને ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલીક તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ખેડૂત આક્રોશ રેલીમાં આવેલ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કરતા પ્રવીણભાઇ ચૌધરીએ ૧૦૦૦ લોકોનાં ટોળાં વિરૂદ્ધ રાયોટિંગ અને પોલીસ પર હુમલા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(8:14 pm IST)
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનુ પોરબંદરમા આગમન:ખારવા સમાજ દ્વારા આયોજીત રામદેવજી મહાપ્રભજીના પ્રાગટ્ય મહોત્સવમા ઉપસ્થિત:કાર્યક્રમમાં જનસભાને પણ સંબોધશે મુખ્યપ્રધાન, માછીમારો માટે 11 કરોડના કામોનું કરશે ખાતમહુર્ત access_time 10:53 pm IST

  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST

  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST