Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગાંધીનગર સે-24માં ચેરમેનના ભાઈનું મકાન ન તોડતા લોકોએ તંત્રવિરુદ્ધ લાલ આંખ કરી

ગાંધીનગર:શહેરમાં કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ સામે લાલ આંખ કરવામાં આવી છે ત્યારે સીલીંગની પ્રક્રિયા પણ શરૃ કરી દેવામાં આવી છે. સે-ર૪માં કોર્પોરેશને મોટા પાયે દબાણો તોડી પાડયા હતા પરંતુ શ્રીનગર વસાહતમાં સ્થાયી સમિતિના ચેરમેનના ભાઈના મકાનમાં જ મસમોટું દબાણ અને રહેણાંકમાં કોમર્શિયલ પ્રવૃતિ કોર્પોરેશનની ટીમને દેખાઈ નહીં. ત્યાં પહોંચેલી ટીમને ચેરમેનનું નામ આપતાં જ ટીમ ઉભી પુછડીએ ભાગી ગઈ હતી. જેના પગલે સ્થાનિકોમાં પણ રોષ ભભુકયો છે કે કોર્પોરેશન દ્વારા દબાણો હટાવવામાં બેધારી નીતિ રાખવામાં આવી રહી છે.  

ગાંધીનગર શહેરમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે તેમજ મકાનોમાં વધી ગયેલા દબાણો પણ તોડાઈ રહયા છે. સે-ર૪માં છેલ્લા ૧પ દિવસથી મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ ચાલી હતી જેમાં ૧૦૦થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તો વસાહતીઓમાં આ ઝુંબેશને લઈ ફફડાટ ફેલાયો હતો. જ્યારે શ્રીનગર વસાહતમાં પણ આ જ પ્રકારે મોટા દબાણો ઉભા થઈ ગયા છે અને રહેણાંક વસાહતમાં ખોટા બાંધકામો કરી દુકાનો ઉભી કરી દેવાઈ છે તેમછતાં તેની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. 

(5:01 pm IST)