Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

નડિયાદ પશ્ચિમ પોલીસે કારમાંથી 1.34 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

નડિયાદ: પશ્ચિમ પોલીસે રામ તલાવડી વિસ્તારના કાચા રસ્તા પરથી સ્વીફ્ટ ગાડીમાંથી ૧.૩૪ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જ્યારે કાર ચાલક સહિત ત્રણ જણાં ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે પ્રોહિબિશીનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
નડિયાદ પશ્ચિમ પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં નીકળી હતી આ દરમિયાન વહેલી સવારે માહિતી મળેલ કે સુંદરકુઈ વિસ્તારમાં રહેતો હર્ષદભાઈ રાવજીભાઈ તળપદા તથા તેનો કાકાનો દીકરો અશ્વિનભાઈ દિનુભાઈ તળપદા વ્હાઈટ કલરની સ્વીફ્ટ ડીઝાઈર ગાડી નં. જીજે-૩૫ બી-૩૯૬૯ માં વિદેશી દારૂ ભરીને રામ તલાવડી વિસ્તારમાં કાચા રસ્તા ઉપર થઈ નાળીયામાં નીકળનાર છે જેથી પશ્ચિમ પોલીસે અંધારામાં સરકારી વાહન ઊભું રાખી વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઉક્ત નબરવાળી કાર આવતા પોલીસે પીછો કર્યો હતો. પરંતુ સ્વીફ્ટ ગાડી કાદવમાં ઉતરી ફસાઈ જતા બુટેલગર અને તેનો કાકાનો દીકરો તથા કાર ડ્રાઈવર ગાડી મૂકી નાસી ગયા હતા. 
પોલીસે ગાડીની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં.૩૩૬ બોટલો કે જેની કિમંત રૂપિયા ૧,૩૪,૪૦૦ થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ગાડી રૂપિયા ૩,૨૦,૦૦૦ની મળી કુલ રૂપિયા ૪,૫૪,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે પશ્ચિમ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:58 pm IST)