Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અદાલતી જંગમાં કોની ફતેહ થશે ? નલીન કોટડીયાની કે સીઆઈડીની ?

નલીન કોટડીયા દ્વારા જામીન અરજીમાં સીઆઈડી, પૂર્વ પીઆઈ અનંત પટેલના જામીન નામંજુર કરવાના કારણો દોહરાવશેઃ સુરતના સર્કિટ હાઉસમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરી કરોડોના બીટ કોઈન્સનું કાવત્રુ ઘડવાની બેઠકમાં નલીન કોટડીયા હાજર હોવાના સીઆઈડી પાસે પુરાવા ? મોટી રકમની લેવડ-દેવડની પણ કોલ્સ ડીટેઈલ્સ

રાજકોટ, તા. ૨૦ :. કરોડો રૂપિયાના બીટ કોઈન્સ પડાવી લેવાને ઈરાદે બીટ કોઈન્સ પાર્ટ-૧ ના ફરીયાદી શૈલેષ ભટ્ટનું ગેરકાયદે અપહરણ કરી તેની પાસેથી કરોડો રૂપિયાના બીટ કોઈન્સ ટ્રાન્સફર કરાવી લેવાના કાવત્રામાં મહત્વની ભૂમિકા હોવાનું સીઆઈડી ક્રાઈમ માની રહી છે તેવા ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાએ પોતાની રીમાન્ડ પૂર્ણ થયા બાદ જેલમાંથી પોતાને જામીન આપવા માંગણી કરી છે. આ જામીન અરજી સામે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં નલીન કોટડીયાને જામીન ન મળે તે માટે મજબૂત અને પ્રમાણિત પુરાવાઓ કોર્ટમાં રજૂ થનાર હોવાનું સૂત્રો જણાવે છે.

અત્રે એ યાદ રહે કે શૈલેષ ભટ્ટનું બીટ કોઈન્સ પડાવી લેવાના ઈરાદે ગાંધીનગર નજીકથી અમરેલીના તત્કાલીન એસ.પી. જગદીશ પટેલ અને અમરેલીના પૂર્વ એલસીબી પોલીસ ઈન્સ્પેકટર વિગેરેએ મળી સમગ્ર કાવત્રુ રચેલ. ઉકત કાવત્રુ ધારાસભ્ય અને કિરીટ પાલડીયા તથા નલીન કોટડીયા વિગેરે દ્વારા સુરતના સર્કિટ હાઉસમાં ઘડવામાં આવેલ અને તેને આખરી અંજામ અમરેલી જિલ્લા પોલીસ વડાની કચેરીમાં જે તે સમયે અપાયાના સીઆઈડી પાસે પુરાવા હોવાનું ચર્ચાય છે. પૂર્વ પીઆઈ અનંત પટેલના જામીન નામંજુર થયા તેમા પણ સીઆઈડી પાસે રહેલા ઉકત પુરાવાઓ જ મહત્વના બનેલા. નલીન કોટડીયાના કિસ્સામાં પણ આ બાબત મહત્વની બની રહેશે તેમ સૂત્રો માની રહ્યા છે.

સીઆઈડી દ્વારા નલીન કોટડીયાને પૂછપરછ માટે ત્રણ ત્રણ વખત સમન્સ પાઠવવા છતા તેઓ હાજર ન થતા તેઓની વિરૂદ્ધ ધરપકડનું સમન્સ વોરંટ કાઢવા સાથે તેમની મિલ્કત જપ્તીની કાર્યવાહી સીઆઈડી દ્વારા જે તે સમયે કરવામાં આવેલ. નલીન કોટડીયા વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ કાઢવામાં આવેલ. પંજાબ, ચંદીગઢ, નેપાળ સુધી તેની શોધખોળ કર્યા બાદ મહારાષ્ટ્રના ધુલીયાના અમલનેર નજીક રેલ્વે કોલોનીના અંડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગમાંથી તેની ધરપકડ કરવામાં આવેલ.

એ જાણવુ રસપ્રદ છે કે, નલીન કોટડીયાએ જામીન અરજીમાં પોતે કયાંય નાસી ન ગયાનું અને પોતે સામાજિક કાર્યો માટે બહાર ગયાની અદાલતમાં અરજી કરવા સાથે પોતે પ્રતિષ્ઠીત નાગરીક હોવાથી કયાંય નાસી ન જાય તેમ હોવાનું જણાવ્યુ છે. વિશેષમાં પોતાની ધરપકડ બાદ બે વખત ડાયાબીટીસ વધી ગયાની બાબતને પણ અદાલતમાં બિમારીના કારણો સંદર્ભે રજૂ કરી છે. જોઈએ હવે અદાલતી જંગમાં કોનો વિજય થાય છે ? સીઆઈડીનો કે પછી કોટડીયાનો ? (૨.૯)

(5:47 pm IST)
  • એસટી વિભાગ દ્વારા લગ્નપ્રસંગે રાહતદરે બસ ફાળવાશે: વિજયભાઈ રૂપાણીના હસ્તે ફાળવાશે : ૪૫ નવી વોલ્વો બસ શણગારેલી મળશે access_time 3:19 pm IST

  • સુરત:કોસંબા પો.સ્ટે વિસ્તારમાં ઝડપાયો વિદેશી દારૂ:સુરત જીલ્લા LCBએ નેશનલ .હાઇવે ૮ ઉપર પીપોદરા વિસ્તારમાં ઝડપી પાડ્યો વિદેશી દારૂ: આઈશર ટેમ્પા ઉપર તાડપત્રી ઢાંકી સંતાડયો હતો દારૂ: ૪ લાખથી વધુનો વિદેશી બનાવટનો અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂ તેમજ આઈશર ટેમ્પો કર્યો કબ્જે:પોલીસે ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી: ડ્રાઇવરને ભાગેડુ જાહેર કરી વધુ તપાસ હાથધરી. access_time 10:45 pm IST

  • નવસારી પંથકમાં ભાજપમાં કડાકો : ૧૫ ભાજપી સભ્યોએ રાજીનામા ફગાવ્યા : વિજલપુર પાલિકામાં નારાજ ભાજપ સભ્યોનો મામલો : અસંતુષ્ટ ૧૫ ભાજપ સભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુઃ ૧૩ સભ્યોએ જિલ્લા કલેકટરને કરી અવિશ્વાસની દરખાસ્ત : દરખાસ્તને લઈને સભ્યોને અપાઈ હતી કારણદર્શક નોટીસ : નારાજગી બાદ રાજીનામા આપ્યા access_time 3:54 pm IST