Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

લવરાત્રિ ફિલ્મના પ્રોડયુસર સહિતના પક્ષકારોને નોટિસ

વાંધાજનક દ્રશ્યો-ડાયલોગ્સ દૂર કરવા અરજી : માત્ર ફિલ્મનું ટાઇટલ બદલી નાંખવાથી પિટિશનની દાદ સંતોષાઇ જતી નથી : અરજદાર પક્ષની ધારદાર દલીલો

અમદાવાદ,તા. ૨૦ : સલમાનખાન ફિલ્મ્સની આગામી ફિલ્મ લવરાત્રિના વિવાદને લઇ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીની મહત્વની સુનાવણી સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સલમાન ખાન ફિલ્મ્સ તરફથી એવો બચાવ રજૂ કરાયો હતો  કે, વિવાદ  બાદ હવે લવરાત્રિ ફિલ્મનું નામ બદલીને લવયાત્રી કરવામાં આવ્યું છે. જો કે, અરજદાર હિન્દુ સંગઠન તરફથી આ બચાવનો સખત વિરોધ કરાયો હતો. પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ મામલે ફિલ્મના પ્રોડયુસર, સેન્સર બોર્ડ અને ફિલ્મના લેખક નિરેન ભટ્ટને નોટીસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ રાખી હતી. સલમાનખાનની વિવાદીત ફિલ્મ લવરાત્રિના ટાઇટલ અને ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો અને ડાયલોગ કમી કરવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટમાં હિન્દુ સંગઠન તરફથી કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, વિવાદીત ફિલ્મના માત્ર ટાઇટલ જ નહી પરંતુ ફિલ્મમાં જે પ્રકારે ડબલ મીનીંગ અને બિભત્સ પ્રકારના ડાયલોગ અને કેટલાક વાંધાજનક દ્રશ્યો છે, તેને લઇને સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે. ધાર્મિકતાને વટાવી તેનો કોમર્શીયલ ધોરણે ઉપયોગ ના થઇ શકે. હિન્દુ સમાજની લાગણી દુભાવતા આ પ્રકારના પ્રયાસને કોર્ટે કોઇપણ સંજોગોમાં પ્રોત્સાહન આપવું જોઇએ નહી અને તેની પર રોક લગાવવી જોઇએ. જો કે, ભારે વિવાદ સર્જાયા બાદ ફિલ્મનું ટાઇટલ બદલી લવરાત્રિના બદલે લવયાત્રિ કરી દેવાતાં અરજદારપક્ષ તરફથી કોર્ટનું એ મુદ્દે પણ ધ્યાન દોરાયું હતું કે, માત્ર ફિલ્મનું ટાઇટલ બદલી નાંખવાથી પિટિશનની દાદ સંતોષાઇ જતી નથી. કોર્ટે એ બાબત પણ ધ્યાને લેવી જોઇએ કે, વિવાદના કારણે સામાવાળાઓ દ્વારા ફિલ્મનું ટાઇટલ રાતોરાત બદલવામાં આવ્યું છે પરંતુ તેમ કરવાથી ફિલ્મમાં કંડારાયેલા વાંધાજનક દ્રશ્યો, ડાયલોગ કે વાતો બદલાઇ જતી નથી. વાસ્તવમાં ફિલ્મમાં જે વાંધાનજક દ્રશ્યો, બિભત્સ પ્રકારના ડાયલોગ અને ધાર્મિક લાગણી અને આસ્થા દુભાવતી વાતો જ હિન્દુ સમાજની લાગણી દુભાવી રહ્યા છે અને તેથી ફિલ્મમાંથી તેને તાત્કાલિક કમી કરાવવા હાઇકોર્ટે આદેશ કરવો જોઇએ. અરજદારપક્ષની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે ફિલ્મના પ્રોડયુસર સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે, ફિલ્મમાં જો લાગણી દુભાતા દ્રશ્યો હશે તો તેનાં પર સ્ટે મૂકવા અંગે પણ અદાલત વિચારશે. કેસની વધુ સુનાવણી તા.૨૧મી સપ્ટેમ્બર પર મુકરર કરાઇ છે.

(8:13 pm IST)
  • દીવ - દમણના કોંગી પ્રમુખ કેતન પટેલની મુંબઈમાં ધરપકડ : દમણ - દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલની મુંબઈથી ધરપકડ : પોલીસ કેતન પટેલને આજે કોર્ટમાં રજૂ કરશે : તેના પર એક કંપનીના મેનેજર પાસે ખંડણી માંગવાનો આરોપ છે access_time 1:37 pm IST

  • નવસારી પંથકમાં ભાજપમાં કડાકો : ૧૫ ભાજપી સભ્યોએ રાજીનામા ફગાવ્યા : વિજલપુર પાલિકામાં નારાજ ભાજપ સભ્યોનો મામલો : અસંતુષ્ટ ૧૫ ભાજપ સભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુઃ ૧૩ સભ્યોએ જિલ્લા કલેકટરને કરી અવિશ્વાસની દરખાસ્ત : દરખાસ્તને લઈને સભ્યોને અપાઈ હતી કારણદર્શક નોટીસ : નારાજગી બાદ રાજીનામા આપ્યા access_time 3:54 pm IST

  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST