Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મહેસાણામાં રખડતી ગાયે મહિલા કોર્પોરેટરની બે પુત્રીઓને અડફેટે લીધી

એકને કાનના ભાગે બે ટાંકા અને હાથે ફ્રેક્ચર :બીજીને હળવી ઇજા .

મહેસાણા શહેરમાં રખડતી ગાયોની રંજાડથી રોડ પરથી પસાર થવું રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી બન્યું છે. મોઢેરા રોડ પર  કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર સોનલબેન પટેલની બે દીકરીઓને ગાયે અડફેટે લીધી હતી. જેમાં એકને કાનના ભાગે બે ટાંકા અને હાથે ફ્રેક્ચર થયું હતું તો બીજીને હળવી ઇજા થઇ હતી.

નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ ગત 16મીએ એસપીને લેખિત પત્ર કર્યો છે. જેમાં પાલિકા દ્વારા હાલમાં 200 ઢોર પકડી નિકાલ કરાયો છે. જોકે ઘણા સમયથી મોઢેરા રોડ, રાધનપુર રોડ, વાઇડ એન્ગલ સિનેમા, લાખવડ રોડ, માનવ આશ્રમ રોડ, તાવડિયા રોડ વિસ્તારમાં રાત્રીના સમયે શહેરના આજુબાજુના વિસ્તારોમાંથી અજાણ્યા શખ્સો રખડતાં ઢોર છોડી જતા હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા તથા રસ્તે ચાલતા રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે. અવ્યવસ્થા અને પાલિકા ઉપર આર્થિક ભારણ ઉભુ થવાની શક્યતા હોઇ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.કોર્પોરેટર સોનલબેન પટેલે કહ્યું કે, રખડતી ગાયોની વકરતી સમસ્યાને નિયંત્રિત કરવા પાલિકા અને કલેકટર કચેરીમાં અમે રજૂઆત કરીશું.

(11:52 pm IST)