Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રોગચાળાને રોકવા તંત્ર દ્વારા ઝુંબેશ : બ્રિડિંગ મળી આવ્યા

હેવી બ્રિડિંગ મળતાં મેટ્રો અધિકારીઓને દંડ : વાસણાથી ચાંદખેડા રૂટમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઇટ બેઝમેન્ટોમાં પાણી ભરાઈ ગયું

અમદાવાદ, તા.૨૦ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરિયા વિભાગે આજે વિશ્વ મચ્છરદિન નિમિત્તે મચ્છરોના બ્રિડિંગને લઈ સમગ્ર શહેરમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન અમદાવાદ મેટ્રોના વાસણાથી ચાંદખેડા રૂટમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું હતુ. જેને પગલે મેલેરિયા વિભાગે મેટ્રોને ૩ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઇટોના બેઝમેન્ટમાં વધુ પ્રમાણમા પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. આ પહેલા પણ અમ્યુકો તંત્ર દ્વારા બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઇ સુધારો થયો નહોતો.

       જેના કારણે, આ વખતના તપાસ અભિયાનમાં હેવી બ્રિડિંગ મળતાં અમ્યુકોએ આકરૃં વલણ અપનાવી મેટ્રો રેલ સત્તાધીશોને ત્રણ લાખનો સબક સમાન દંડ ફટકાર્યો હતો.અમ્યુકોની મચ્છરોને લઇ શહેરભરમાં ચાલી રહેલી ડ્રાઇવને લઇ પાણીનો ભરાવો થતો હોય તેવા સ્થળોએ સંબંધિત તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. અમ્યુકોની આ ડ્રાઇવ વચ્ચે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો પણ ગંભીર રીતે વકર્યો છે. ખાસ કરીને મેલેરિયા-ડેંગ્યુના ૬૦૦થી વધુ કેસ નોંધાયા છે. વરસાદી માહોલ બાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતાં અમ્યુકોનું આરોગ્યવિભાગ અને તંત્ર દોડતુ થઇ ગયુ હતું.

     જેમાં છેલ્લા ૧૭ દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળાના ૬૦૦થી વધુ લોકો ભોગ બન્યા છે. જેમાં ૭૮ જેટલા દર્દીઓ તો ડેંગ્યુના નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના ૪૯૫ અને ઝેરી મેલેરિયાના ૨૫ કેસો નોંધાયા હતા. તમેડ ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો હતો. આમ, શહેરમાં રોગચાળો નાગરિકોને ભરડામાં લઇ રહ્યા હોઇ સરકારી અને અમ્યુકો સંચાલિત હોસ્પિટલોમાં પણ દર્દીઓ અને કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે.

(9:25 pm IST)