Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

૧૧૦૦ કરોડના ખર્ચે તૈયાર મોટેરાનું ૯૦ ટકા કામ પૂર્ણ

મોદી લોકોને સૌથી મોટા સ્ટેડિયમની ભેટ આપશે : ૨૦૨૦ આઇપીએલ મેચોની દર્શકો આ સ્ટેડિયમમાં મજા માણી શકશે : ૬૦થી વધારે કોર્પોરેટ બોક્સ તૈયાર કરાયા

અમદાવાદ, તા.૨૦ : આશરે રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે બની રહેલા મોટેરા સ્ટેડિયમનું ૯૦ ટકા કામ પૂર્ણ થઇ ગયુ છે અને ટૂંક સમયમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારે આયોજન ચાલી રહ્યું છે. થોડા દિવસોમાં અમદાવાદીઓને વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ મળશે. આશરે ૬૩ એકરમાં ફેલાયેલું આ સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતાં પણ વધારે મોટું હશે. મોટેરા સ્ટેડિયમમાં ૧.૧૦ લાખ દર્શકોની બેઠક ક્ષમતા છે. અંદાજે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે નિર્માણધીન આ સ્ટેડિયમ ૨૦૨૦માં રમાનારી આઈપીએલમાં જે ટીમ ઈચ્છશે તેને સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ તરીકે અપાશે. સ્ટેડિયમમાં ૫૫ રૂમ સાથેનું ક્લબ હાઉસ, ઓલિમ્પિક્સ સાઈઝનો સ્વિમિંગ પૂલ-જિમ્નેશિયમ સહિતની અનેક સુવિધા પણ સમાવવામાં આવી છે.

      વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેથી ત્રણ મહિનામાં આ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવામાં આવશે. સ્ટેડિયમનું અધુરુ કામ પૂર્ણ કરવા માટે એન્જિનિયર્સ દિવસ-રાત કામ કરી રહ્યા છે. જૂના સ્ટેડિયમને તોડીને નવું સ્ટેડિયમ બનાવવાનો વિચાર નરેન્દ્ર મોદીનો હતો, ત્યારે તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેડિયમનું ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્ટેડિયમમાં હવે ખુરશી લગાવવાની છે અને મેદાન તથા પીચનું કામ પણ ચાલી રહ્યું છે. જે થોડા સમયમાં પૂર્ણ થઇ જશે. દરમ્યાન જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, અમે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવી રહ્યા છીએ. આવતા વર્ષે આઇપીએલની ટીમ આ સ્ટેડિયમને હોમ ગ્રાઉન્ડ તરીકે સ્વીકારે એવા પ્રયાસો છે. અમે એવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રહ્યા છીએ જે વિશ્વને આકર્ષિત કરશે. નવા સ્ટેડિયમમાં મુખ્ય દરવાજાની સાથે અન્ય ત્રણ નવા ગેટ બનશે.

     ઉપરાંત ૬૦થી વધુ કોર્પોરેટ બોક્સ તેમજ વીઆઈપી લોન્જ અને ક્લબ હાઉસ બનશે. સ્ટેડિયમને સંલગ્ન ક્લબ હાઉસમાં ૫૫થી વધુ રૂમ હશે અને ઓલિમ્પિક સ્તરનો સ્વિમિંગ પૂલ બનાવાશે. સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ અને યંગ ક્રિકેટરોને કોચિંગ આપવા માટે ઇન-ડોર ક્રિકેટ એકેડમી પણ બનાવવામાં આવશે. સ્ટેડિયમમાં મેચ કોઈ પણ ખુણેથી જોતાં પીલર નડે નહીં તે મુજબની ડિઝાઇન કરાશે. ટૂંકમાં, મોટેરો સ્ટેડિયમ એવું બનાવવામાં આવી રહ્યું છે કે, જે વિશ્વ આખાનું ધ્યાન ખેંચશે અને બહુ આકર્ષક અને લોકપ્રિય બની રહેશે.

(8:33 pm IST)