Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વરસાદ 'તણાઇ' ગયો ! ખેતી માટે ફાયદાના પૂર : શિયાળુ પાક મબલખ થશે

આજે સવારથી બપોર સુધીમાં માત્ર ચાર-પાંચ તાલુકામાં જ હળવા ઝાપટા, બાકી બધેય ઉઘાડઃ સાંજે વેધર વોચ સમિતિની બેઠક : કપાસ-મગફળીને હવે સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની જરૂરઃ ઘઉં, ચણા, જીરૂ, ડુંગળીના વાવેતર માટે ખૂબ સાનુકુળ સંજોગો

રાજકોટ, તા. ૨૦ :. રાજ્યમાં એક મહિના સુધી સતત વરસ્યા બાદ આખરે મેઘરાજાએ જન્માષ્ટમીના તહેવારો પર જ વિરામ રાખ્યો છે. આજે સવારથી બપોર સુધીમાં ૪ - ૫ તાલુકાઓમાં હળવા ઝાપટા નોંધાયા છે. અન્યત્ર સર્વત્ર ઉઘાડ છે. વરસાદ તણાઈ ગયો અને ઉઘાડથી ખેતી માટે ફાયદાના પૂર ઉમટયા છે. અનેક ડેમોમાં સારૂ પાણી આવી જવાથી અને કુવા-તળાવના તળ જીવંત થઈ જવાથી શિયાળુ પાક પણ સારો થવાની આશા બળવત્તર બની છે.

કૃષિ ક્ષેત્રના વર્તુળોના જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદ મોડો થયો પરંતુ સારો થયો છે. એકધારા વરસાદ પછી અત્યારે તડકાની જરૂર છે ત્યારે જ તડકો પડી રહ્યો છે. ખેતરોમાંથી પાણી શોસાઈ રહ્યા છે. કપાસ, મગફળી જેવા પાક માટે અત્યારનો વરાપ ખૂબ ફાયદારૂપ છે. હવે પછી સપ્ટેમ્બરના પ્રારંભે એક સારા વરસાદની જરૂર છે. જો પાછોતરો વરસાદ ખેડૂતોની અપેક્ષા મુજબ થાય તો ૧૪આની જેવુ વર્ષ થઈ જવાની આશા છે. અત્યારે સારો વરસાદ થઈ ગયો હોવાથી ચોમાસુ પાક ઉપરાંત શિયાળુ પાકમાં પણ તેની સારી અસર જોવા મળશે. ઘઉં, ચણા, જીરૂ, ડુંગળી વગેરેનું મબલખ ઉત્પાદન થાય તેવી ધારણા બંધાણી છે.

આજે સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વાપી, કપરાડા, જલાલપોર, બારડોલી અને ધરમપુર (દક્ષિણ ગુજરાત) હળવા ઝાપટા પડયા છે. તે સિવાય કયાંયથી નોંધપાત્ર વરસાદના વાવડ નથી. લોકો તહેવારો વરસાદી વિઘ્ન વિના માણી શકે તેવા એંધાણ છે. રાજ્યનો સરેરાશ વરસાદ ૮૮ ટકા જેટલો થઈ ગયો છે તે ૨૦૧૮ના વર્ષના ચોમાસાની સરખામણીએ ૧૨ ટકા જેટલો વધારે છે. હજુ ચોમાસાનો સમયગાળો ચાલુ છે.

(3:07 pm IST)