Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

આઇપીએસ અધિકારીઓના ખાનગી ચર્ચા-ચોરાની વાત

ઇન્ચાર્જ પ્રથા યથાવત કે પછી ૧૧ દિવસ પછી આઇપીએસ કક્ષાએ ધરખમ ફેરફારો ?

પોલીસ તંત્રના સર્વેસર્વા એવા એસીએસ (હોમ)ની જગ્યાથી લઇ મહત્વના સ્થાનો લાંબા સમયથી ઇન્ચાર્જથી જ ચાલે છે : એસીબી વડા-જેલવડા-અમદાવાદ ક્રાઇમ બ્રાંચ વડા-રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર જેવા ઘણા સ્થાનો ખાલી, અજય તોમર પાસે તો ૪-૪ ચાર્જ છે

રાજકોટ, તા., ર૦: રાજય પોલીસ તંત્રમાં આઇપીએસ કક્ષાએ ટોચના અને મહત્વના સ્થાનો ટોપ ટુ બોટમ (એડીશ્નલ  ચીફ સેક્રેટરી હોમ) થી લઇ તાબાના સ્ટાફના  સ્થાનો લાંબા સમયથી ખાલી હોવા છતા આ જગ્યા પર રેગ્યુલર નિમણુંક કરવા માટે રાજય સરકાર હવે ગંભીરતાથી વિચારશે કે પછી 'હોતી હૈ ચલતી હૈ' માફક ઇન્ચાર્જ પ્રથા મુજબ ચાલુ જ રાખશે કે કેમ? તે બાબત રાજયભરના પોલીસ તંત્રમાં હોટ ટોપીક બની રહી છે.

આઇપીએસ કક્ષાએ  આ અગાઉ વી.એમ.પારગી, શશીકાંત ત્રિવેદી, એસ.કે.દવે અને આર.એસ.ભગોરાની સાથોસાથ ડીજીપી કક્ષાના રાજયના જેલવડા મોહન ઝા નિવૃત થયા છે આ બધા સ્થાનો ઇન્ચાર્જમાં જ ચાલે છે નવાઇની બાબત એ છે કે જેલવડાનો ચાર્જ સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટીયાને સુપ્રત થયે તેઓ રજા પર જતા તેમનો ચાર્જ એડીશ્નલ ડીજીપી કક્ષાના અજય તોમરને સુપ્રત થયો છે. વાત અહીંથી નથી અટકતી અજય તોમર પાસે પોતાના મૂળ ચાર્જ ઉપરાંત સીઆઇડી વડાનો ચાર્જ હોવા સાથે અધુરામાં પુરૂ એસીબી વડા લંડન જતા આ ચાર્જ પણ અજય ચૌધરીને સુપ્રત થયો છે.

અત્રે યાદ રહે કે ગુજરાતમાં લાંબા સમયથી એસીબી વડાની જગ્યા પણ ચાર્જમાં જ ચાલે છે. આ ઉપરાંત અન્ય ઘણી મહત્વની જગ્યાઓ ચાર્જમાં ચાલે છે.

એક વાત એવી છે કે રાજય પોલીસ તંત્રમાં ખુબ જ મહત્વની મનાતી સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્મા ૧૧ દિવસ પછી નિવૃત થવાના છે તે સમયે પોલીસ તંત્રમાં (આઇપીએસ કક્ષાએ) ધરખમ ફેરફારો આવશે જો કે ઘણા નિરાશામાં એવુ માને છે કે આ જગ્યા પણ ચાર્જમાં ચલાવાય તો નવાઇ નહી. અમદાવાદની અતિ મહત્વની મનાતી ક્રાઇમ બ્રાન્ચના વડાની જગ્યા જે.કે.ભટ્ટની નિવૃતી બાદ ખાલી પડી છે. આ જગ્યા પર અમદાવાદ ટ્રાફીક બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નર જે.આર.મોથલીયા ચાર્જ ધરાવે છે સાથોસાથ રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નરનું સ્થાન સિધ્ધાર્થ ખત્રીની નિવૃતી બાદ ખાલી પડયું છે. આ જગ્યા પર છેલ્લા ચાર વર્ષથી આર્મ્સ યુનીટમાં આઇજી તરીકે ફરજ બજાવતા અજય ચૌધરીને ચાર્જ અપાયો છે. ઇન્ચાર્જ હોવા છતા સતત કાર્યરત રહેતા અજય ચૌધરીને રેગ્યુલર પોષ્ટીંગ આપવાની પણ ચર્ચા છે. જો કે આ તો બધા અનુમાનો અને અટકળો છે. રાજય સરકારના મનમાં શું ચાલી રહયું છે? તે કોઇ કળી શકતું નથી.

(12:19 pm IST)