Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બીએસએફ-કોસ્ટગાર્ડ મેદાનેઃ કચ્છ સરહદે જોરદાર ચેકીંગ

અફઘાની પાસપોર્ટ ધરાવતા ૪ આતંકવાદીઓ ઘુસ્યાની સેન્ટ્રલ આઇબીની ઇનપુટ અંગે વિજયભાઇ રૂપાણીના આવી કોઇ બાબત રેકર્ડ પર ન હોવાનો દાવો જયારે બીજી તરફ ધમધમાટમાં ધરખમ વધારો : કાશ્મીરથી આવતી ટ્રેનો-ફ્રુટ બજારમાં આવતા કાશ્મીરી વેપારીઓ અને શકમંદ સ્થાનો શંકાના રડારમાં: ડો.હર્ષદ પટેલ સાથે અકિલાની વાતચીત : બોર્ડર રેન્જના વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જુનાગઢ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી, રાજકોટ રેન્જ ડીઆઇજી સંદીપસિંહ પોતાની હકુમતના એસપીઓ પાસેથી પળે પળની ઓલ્સ વેલ મેળવી રહયા છેઃ બનાસકાંઠા એસપી પ્રદીપ સૈજુલે જાતે સુકાન સંભાળ્યું: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ લોકમેળાનું ઉદઘાટન કરવા મુખ્યમંત્રી આવનાર હોઇ અને લાખોની ભીડ ધ્યાને લઇ ઇનપુટ આધારે વાહનોનું ચેકીંગ અને વાહન નંબરોની નોંધણી કાર્યમાં ગતી વધારી

રાજકોટ, તા., ર૦: પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇના ઇશારે લશ્કરે એ તોયબાના અફઘાની પાસપોર્ટ ધરાવતા ૪ આતંકવાદીઓ ઘુસ્યા હોવાનું અને તેમનું મુખ્ય લક્ષ્યાંક દિલ્હી, મુંબઇ અને ખાસ કરીને ગુજરાત હોવાની સેન્ટ્રલ આઇબીની ઇનપુટના આધારે ગુજરાતના પાડોશી રાજય  રાજસ્થાન બોર્ડરને સ્પર્શતા રતનપુરથી લઇ બનાસકાંઠાની અમીરગઢની ચેકપોસ્ટો ઉપર બુલેટપ્રુફ જેકેટ અને એસઆરપીના ચુનંદા જવાનો તૈનાત થવા સાથે સઘન પેટ્રોલીંગ, નાકાબંધી અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવી કોઇ બાબત રેકર્ડ પર ન આવ્યાનું મિડીયામાં પ્રસિધ્ધ થતી બાબતો વધુ પડતી હોવાનું જાહેર કરવા છતાં કચ્છના બોર્ડર વિસ્તારોમાં બીએસએફ અને કોસ્ટગાર્ડ પણ ચેકીંગની કામગીરીમાં સક્રિય થયાના અહેવાલથી ભારે દ્વિધા સર્જાઇ છે.

નવાઇની વાત એ છે કે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાના આદેશથી રાજયભરમાં શરૂ થયેલ ચેકીંગ સંદર્ભે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ચોક્કસ બાબતો અંગે ચર્ચા થઇ શકે નહી. પરંતુ એસઓજી દ્વારા સાવચેતી ખાતર કાશ્મીરથી આવતી ટ્રેનો, ફ્રુટબજાર કે જયાં કાશ્મીરથી સફરજનના વેપારઅર્થે આવતા વેપારીઓ તથા શહેરની કેટલીક શંકાસ્પદ હોટલો, ગેસ્ટહાઉસોની નિયમીત ચકાસણી ચાલે છે.

સૌરાષ્ટ્રનો દરીયા કિનારો વર્ષોથી આતંકવાદીઓને ઘુસવા માટે સરળ રહયાનું  સારી રીતે સમજતા જુનાગઢ રેન્જના અનુભવી  આઇજીપી સુભાષ ત્રિવેદી તથા રાજકોટ રેન્જના ડીઆઇજી સંદીપસિંહ દ્વારા દરીયાઇ પટીઓ ઉપર સઘન ચેકીંગ કરવા પોતાના એસપીઓને આદેશ અપાયાની વાત જાણીતી છે.

દરમિયાન ગુજરાતની તમામ બોર્ડરો સીલ કરવાની સાથે કચ્છની ક્રીક તથા અન્ય બોર્ડરો પર ભુતકાળમાં પાકિસ્તાનીઓ ઘુસ્યા હોવાથી કે તથા બનાસકાંઠાની ચોક્કસ બોર્ડરો ઉપર આઇજીપી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા એસપી પ્રદીપ સૈજુલ તથા કચ્છ પશ્ચિમના એસપી સૌરભ તોલંબીયા સાથે સંપર્ક કરી બીએસએફ અને કોસ્ટગાર્ડ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું છે. અમદાવાદના એસઓજી ક્રાઇમ મારફત સરહદી ગામડાઓમાં કોઇ અજાણ્યા કે શકમંદ શખ્સોની હિલચાલ નજરે પડે તો તુર્ત જ જાણ કરવા મોબાઇલ નંબરો પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. અત્રે યાદ રહે કે સાવચેતીના ભાગરૂપે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ઇન્ચાર્જ જોઇન્ટ પોલીસ કમિશ્નર  અજય ચૌધરી તથા ડીસીપી મનોહરસિંહજી જાડેજા દ્વારા તકેદારી રાખી લોકમેળો જયાં યોજાવાનો છે તે સ્થળ આસપાસ સઘન પેટ્રોલીંગ તથા વાહન નંબરોની નોંધણી વિગેરે કાર્યવાહી ચાલુ કરી દીધી છે. આમ સતાવાર ઇન્કાર છતા સતાવાળાઓ જે રીતે દોડી રહયા છે તે કંઇક ચોક્કસ ઇનપુટ હોવાની ચાડી ખાઇ રહયું છે.

(12:18 pm IST)