Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

અમદાવાદમાં સિટી બસમાં સવારે અચાનક પ્રચંડ આગ

જાનહાનિ ટળી જતાં તંત્રને મોટી રાહત થઇ : સવારમાં આગની ઘટના બનતા ટ્રાફિક જામ : આસપાસ કોલેજો હોવાથી ભારે ઉત્તેજના સમગ્ર વિસ્તારમાં ફેલાઈ

અમદાવાદ, તા. ૧૯ : અમદાવાદ શહેરના મોટાભાગે ભરચક રહેતા યુનિવર્સિટી વિસ્તારમાં આજે સિટી બસમાં સવારે આગ ફાટી નિકળતા ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. આ ઘટનાના કારણે આસપાસ રહેલા વિદ્યાર્થીઓમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી. બસમાં આગની ઘટનાથી ઘણા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ રહી હતી. સાથે સાથે બનાવની જાણ થતાં તરત જ ફાયબ્રિગેડની ટુકડી અને પોલીસ ટુકડી અધિકારીઓ સાથે પહોંચી હતી. યુનિવર્સિટી પાસે ઉભેલી બસમાં આ આગ લાગી હતી. આગની ઘટનામાં જાનહાનિ થઇ નથી પરંતુ આગની આ ઘટનાની અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન ચર્ચા રહી હતી.

બીજી બાજુ સામાન્ય લોકોમાં એવી ચર્ચા પણ રહી હતી કે, એએમટીએસ દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે જેનો આ દાખલો છે. બસની પુરતી જાળવણી અને મેઇન્ટેનન્સની કામગીરી સમય સમયે થતી નથી જેના પરિણામ સ્વરુપે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. શહેરમાં લાખો લોકોને એક સ્થળથી બીજા સ્થળ પર  લઇ જનાર સિટી બસમાં આ પ્રકારની એકાએક આગની ઘટના અનેક પ્રકારના સવાલો ઉભા કરે છે. બસમાં કોઇ પ્રવાસી કે કોઇ કર્મચારી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી પરંતુ બેદરકારીનો આ દાખલો બોધપાઠ સમાન બને તે ખુબ જરૂરી છે. કારણ કે જો બસમાં મુસાફરી કરતી વેળા આ પ્રકારની ઘટના એકાએક બને તો મોટી જાનહાનિ થવાનો ખતરો રહે છે જેથી સિટી બસોમાં ચકાસણીની પ્રક્રિયા નિયમિતરીતે હાથ ધરવામાં આવે તે જરૂરી છે. બસને જે રીતે આગની ઘટનામાં નુકસાન થયું છે તેનાથી કેટલી હદ સુધી આગ લાગી હતી તે સરળતાથી સમજી શકાય છે.

(9:38 pm IST)