Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથનાં તહેવારની ઉજવણી

ભકિતસભર માહોલમાં હિંગળાજ માતાજીની ભવ્ય શોભાયાત્રા

ભરૂચ :રાજયમાં એક માત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથનાં તહેવારની સોમવારે ભકિતસભર માહોલમાં ઉજવણી કરી હતી. સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઇ માતાજીના મંદિર ખાતેથી હિંગળાજ માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
    લોકવાયકા મુજબ પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો પોતાની જાત તેમજ જ્ઞાતિને બચાવવા હિંગળાજ માતાની શરણે આવ્યા હતા. ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગળાજ માતાજીનું સ્થાપન કર્યું હતું. સમસ્ત ક્ષત્રિયો માં હિંગળાજના શરણે જ રહ્યાં પરંતુ ગુજરાન ચલાવવા કોઇ સાધન નહી હોવાથી પુન: તેમણે માતાની પ્રાર્થના કરી આજિવિકા ચલાવવા રસ્તો બતાવવા આજીજી કરી હતી. જેથી માતાજીએ તેમને હાથવણાટનો હુન્નર બતાવ્યો હતો. હાથ વણાટનાં હુન્નરનો ઉપયોગ કરી ક્ષત્રિયો દ્વારા સૌથી પહેલા નવ દિવસની મહેનત બાદ એક ચૂંદડી બનાવાઇ હતી. જે ચૂંદડી શ્રાવણ વદ ચોથનાં દિવસે સમાજના લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી. ત્યારથી ભરૂચમાં વસતો ક્ષત્રિય (ખત્રી) સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે.
    શ્રાવણ વદ ચોથના દિવસે એક બાજટ ઉપર માતાજીને બેસાડી તેમને ચૂંદડી ઓઢાડવામાં આવે છે. ચોથના દિવસે કાજરાનું પ્રતિક લઇને સૌ જ્ઞાતિજનો ભરૂચ શહેરનાં સિંધવાઇ માતાના મંદિરે જાય છે. જયાં હોમ, હવન અને પૂજા કરાઇ છે. જે બાદ કાજરાના પ્રતિકને સિંધવાઇ માતાના ચોકમાં માતાજીના બાજટને માથે બેસાડી રમાડવામાં આવે છે. સોમવારે સિંધવાઇ માતાજીના મંદિરેથી હિંગળાજ માતાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો

(8:50 pm IST)