Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

બાળકીને બચાવવા માટે ટેક્નોલોજીઅે મહત્વનો ભાગ ભજવ્યોઃ ફેસબુક પોસ્ટ ઉપર બાળાનો ફોટો અપલોડ કરતા આ બાળા ઉદયપુરથી મળીઃ નેપાળી પરિવારમાં ખુશીનો માહોલ

અમદાવાદ: ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભલે ફ્રેન્ડ્સ સાથે ફોટોઝ અને પોસ્ટ શેર કરવાનું માધ્યમ છે પણ આ માધ્યમની મદદથી શહેરની ચાઈલ્ડ લાઈન (1098)ને નેપાળના એક છેવાડાના ગામમાં રહેતા છોકરીના મા-બાપને શોધવામાં મોટી મદદ મળી છે. ગયા અઠવાડિયે જ છોકરીનું તેના પરિવાર સાથે પુનઃમિલન થયું છે. ચાઈલ્ડ લાઈન અમદાવાદના અધિકારીઓએ જણાવ્યું કે, “26 જુલાઈએ હેલ્પલાઈનના નેશનલ નેટવર્ક પરથી મેસેજ મળ્યો હતો કે એક છોકરી ઉદેયપુરથી મળી છે. છોકરીની તસવીર સાથે આવેલા મેસેજમાં તે તેની માતાથી વિખૂટી પડી ગઈ હોવાનું જણવાયું હતું. છોકરીના વતન વિશે કોઈ માહિતી નહોતી.”

ચાઈલ્ડ લાઈનના સિટી કો-ઓર્ડિનેટર બિનલ પટેલે કહ્યું કે, “છોકરી સ્પષ્ટ નહોતી કે તેનું ગામ ભારતમાં છે કે નેપાળમાં, એટલે અમે બિહાર પોલીસનો સંપર્ક કરવાનું વિચાર્યું. બિહાર પોલીસે તપાસ કરીને જણાવ્યું કે, છોકરી ગુમ થયાની કોઈ ફરિયાદ કે તપાસ માટે આપેલા ગામના નામની કોઈ માહિતી નથી. ત્યારબાદ અમે નેપાળમાં સંપર્ક કરવાનો નિર્ણય કર્યો.”

હેલ્પલાઈન પાસે નેપાળમાં વાત કરવા માટે કોઈ સીધો કોન્ટેક્ટ નહોતો. હેલ્પલાઈનના અધિકારીઓએ ફેસબુક પર નેપાળના તે ગામનું નામ સર્ચ કરતાં એક પેજ મળી આવ્યું જે નેપાળના સુનસારી જિલ્લાના દુહાબી શહેરમાં રહેતા નાગરિકો દ્વારા ચલાવાય છે. અધિકારીઓએ ચાન્સ લીધો અને તે ગ્રુપના પેજ પર મેસેજ કર્યો. નેપાળના તે ગામ અંગે માહિતી માગી અને કોઈ છોકરી ગુમ થયાની ફરિયાદ છે કે નહિ તેની તપાસ કરવા વિનંતી કરી.

બિનલ પટેલે જણાવ્યું કે, “પેજના ગ્રુપ એડમિને તરત જ રિપ્લાય આપ્યો અને વધુ વાતચીત માટે પોતાનો નંબર પણ આપ્યો. અમે કેસ અંગે ચર્ચા કરી અને છોકરીના ફોટોગ્રાફ સાથે ગામનું નામ પણ મોકલ્યું. છોકરીનું ગામ દુહાબીથી 45 કિલોમીટર દૂર આવેલું છે. પેજના વોલન્ટિયર્સ તે અંતરિયાળ ગામમાં ગયા અને છોકરીના પરિવારને શોધી કાઢ્યો.” જ્યારે વોલન્ટિયર્સની મદદથી પિતા-પુત્રીએ વાત કરી તો છોકરીના આંખમાંથી ખુશીના આંસુ નીકળ્યા. બંને તરફથી છોકરીને તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી દેવાઈ અને આખરે ઓગસ્ટના ત્રીજા અઠવાડિયે ઘરે પહોંચી.

ચાઈલ્ડ લાઈનના અધિકારીએ જણાવ્યું કે, “પેજના સભ્યોએ ક્યારેય આ હેલ્પલાઈન વિશે સાંભળ્યું નહોતું તેમ છતાં તેઓ મદદ કરવા માટે તૈયાર થયા. બાળકોના બચાવમાં ટેક્નોલોજી મહત્વનો ભાગ ભજવે છે. ઓનલાઈન ડેટાબેઝ અને ઈન્ફર્મેશન શેરિંગ પ્લેટફોર્મની મદદથી અન્ય રાજ્યોમાં આવેલી અમારી શાખાઓના સંપર્કમાં સરળતાથી રહી શકીએ છીએ.”

(5:52 pm IST)