Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મહેમદાવાદ પોલીસે વસોમાં દરોડા પાડી શ્રાવણીયો જુગાર રમતા 13 શકુનિઓને પકડ્યા

મહેમદાવાદ :પોલીસે માંકવા અને મહેમદાવાદમાંથી જુગાર રમતા નવ જણાંને રૂ. ૨૩૨૪૦ રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે એલસીબી ખેડા પોલીસે દંતાલી સીમમાંથી જુગાર રમતા ચાર ઈસમોને રૂ. ૧૪,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ પોલીસ ગઈકાલે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે માંકવા ગામે શ્રાવણીયો જુગાર રમાય છે. જેથી પોલીસે રેઈડ કરતા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા દીલીપ ઉર્ફે લંગડો અભેસિંહ ચૌહાણ, રમેશ ખોડાભાઈ સોઢા, અરવિંદ બોધાભાઈ વાળંદ તથા અજીત અભેસિંગ ચૌહાણ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે પત્તા પાના, જુગાર રમવાના સાધનો દાવ ઉપરથી રૂ. ૧૪૦૦, અંગ જડતીમાં મળી કુલ રૂ. ૨૦,૬૫૦ રોકડા કબજે કર્યા હતા. 
આ ઉપરાંત મહેમદાવાદ ટેકરા વિસ્તારમાં દરોડો પાડતા જુગાર રમતા મહંમદ જુનો અબ્દુલ રઝાક મેમણ, અનવરમીયાં ઐયુબખાન પઠાણ, હેમંતકુમાર ઘેલાભાઈ વાઘેલા, અતુલ ગોવિંદભાઈ વાઘેલા તથા મુકેશ કનુભાઈ વાઘેલાને દાવ ઉપર તેમજ અંગ જડતીમાંથી મળી કુલ રૂા. ૨૫૮૦ના મુદ્દામાલ સામે ઝડપાઈ જવા પામ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જુગારધારા હેઠળ ગુના નોંધી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત એલસીબી ખેડા પોલીસે વસો તાલુકાના દંતાલી સીમમાં ગંગોત્રી નજીક આવેલ શૈલેશભાઈ પ્રવિણભાઈ પટેલ (રે. ડભાણ)ના ખેતરમાં દરોડો પાડી જુગાર રમતા શૈલેશ પટેલ, ભરત મનસુખભાઈ શર્મા, મહેશ વાઘજીભાઈ રબારી તથા કીર્તિકુમાર ભવરસિંહ શર્માને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો દાવ ઉપરથી રૂ. ૪૭૦૦ તથા અંગજડતીમાં રૂ. ૯૭૦૦ મળી કુલ રૂ. ૧૪,૪૦૦ રોકડા કબજે કર્યા હતા

(5:19 pm IST)