Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

'જનતાનું રક્ષણ કરતી ગુજરાત પોલીસના ૫૩% કર્મીઓ વધુ પડતા સ્ટ્રેસમાં'

૧૦૦ પોલીસકર્મીઓ પર સ્ટડી : સ્ટ્રેસ લેવલ ઘટાડવા પ્રયાસ જરૂરી

અમદાવાદ તા. ૨૦ : માનો કે ન માનો જનતાની સુરક્ષાની જવાબદારી જેમને સોંપાઈ છે તે ગુજરાત પોલીસના ૫૩્રુથી વધુ પોલીસ કર્મચારીઓ ખૂબ સ્ટ્રેસમાં છે અને ઘરેલુ તેમજ પ્રોફેશનલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU)એ ૨૦૧૭માં કરેલા એક સ્ટડીમાં આ સામે આવ્યું. GFSUના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિયંકા કક્કર અને M Phil સ્ટુડંટ સોનલબેને રાજયના ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ પર સ્ટડી કર્યો. આ સ્ટડીમાં કોન્સ્ટેબલથી લઈને DSP સુધીના રાજયના પોલીસકર્મીઓને આવરી લેવાયા. સ્ટડીમાં સામે આવ્યું કે પોલીસકર્મીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ ઊંચું છે જેના કારણે તેમની પર્સનાલિટીને પણ અસર થાય છે.

GFSUના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિયંકા કક્કરે જણાવ્યું કે, 'સ્ટ્રેસના કારણે પોલીસકર્મીઓના પ્રોફેશનલ અને અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ છે. સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ લેવલના ૧૦૦ પોલીસકર્મીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ અને તેના કારણે તેમની પર્સનાલિટી પર થતી અસર વિશે સ્ટડી કરવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે, પોલીસકર્મીઓ સ્ટ્રેસમાં છે, ગિલ્ટી ફીલ કરે છે, નીચું આત્મસન્માન, મૂડમાં વારેવારે ફેરફાર, સ્વંયશાસનનો અભાવ, ડિસ્ટર્બ્ડ સ્લિપ, નિર્ભરતા, આક્રમકતા અને ગેરહાજર રહેવાની ટેવ છે.'આસિસ્ટન્ટ પ્રોફેસર કક્કરે જણાવ્યું કે, 'DGP શિવાનંદ ઝાએ કરેલા કેટલાક ફેરફારોના કારણે છેલ્લા એક વર્ષમાં સ્થિતિમાં સુધારો થયો છે. તેમ છતાં પોલીસફોર્સનું સ્ટ્રેસ લેવલ ઘટાડવા માટે હજુ વધુ પ્રયાસ કરવા પડશે. વધુ પડતી બંદોબસ્તની ડ્યુટીના કારણે સ્ટ્રેસનું પ્રમાણ વધે છે.' સર્વે દરમિયાન પોલીસકર્મીઓએ જીવનધોરણ, સામાજિક સંબંધો, જોબ સંતુષ્ટી, જોબ પ્રોફાઈલ અને ઓર્ગેનાઈઝેશનલ સમસ્યા અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સ્ટડીમાં ખુલ્યું કે, પોલીસો માનસિક રીતે સ્વસ્થ છે પરંતુ વધુ પડતાં શારીરિક શ્રમના કારણે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર કક્કરે જણાવ્યું કે, 'પોલીસકર્મીઓના કેટલાક જવાબ ચોંકાવનારા હતા. એક પોલીસકર્મીએ જણાવ્યું કે, તેની પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી તેણે રજા માગી તો તેના ઉપરી અધિકારીએ જવાબ આપ્યો કે, તમે જે કર્યું તેનું આ પરિણામ છે તો પછી તમારે હોસ્પિટલ જવાની શું જરૂર? જો કે અંતે તે પોલીસકર્મીની રજા મંજૂર થઈ પરંતુ તેની લાંબાગાળાની અસર તે પોલીસકર્મીના મગજ પર રહી.'

DGP શિવાનંદ ઝાએ કહ્યું કે, 'પોલીસફોર્સના સ્ટ્રેસ લેવલની સમસ્યા હતી અને છે. જો કે છેલ્લા એક વર્ષમાં પોલીસફોર્સને રજા આપવામાં ઉદારતા દાખવવામાં આવી છે. રેન્ક પ્રમાણે નવા પોલીસકર્મીઓની ભરતી થવાથી કામનું ભારણ ઘટ્યું છે. પરફોર્મન્સ સુધારવા માટે પગલાં પણ લીધા છે.' સ્ટડી માટે તૈયાર કરાયેલી પ્રશ્નાવલી પોલીસ ફોર્સના ઈમોશનલ, ફિઝિકલ, વ્યવહારાત્મક અને મેન્ટલ ઈશ્યૂને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ હતી.

(4:05 pm IST)