Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વડોદરા : સુરસાગર સરોવરના ૧૧૧ ફુટ ઉંચા મહાદેવને થશે 'સોનાનો શ્રૃંગાર'

મૂર્તિ પર થશે ગોલ્ડન વર્ક : એકઠું થયું સાત કરોડનું ભંડોળ

વડોદરા તા. ૨૦ : શ્રાવણ મહિનો મહાદેવના ભકતો માટેનો મહિનો છે. આ મહિનામાં શિવની પૂર્ણ શ્રદ્ઘા અને નિષ્ઠાથી પૂજા કરવામાં આવે છે. શિવ પ્રત્યેની અનોખી ભકિત અને સમર્પણ વડોદરામાં જોવા મળી છે. જયાં સુરસાગર સરોવરમાં આવેલી શિવની ૧૧૧ ફૂટ મૂર્તિને 'સોનાનો શૃંગાર' થશે. આ મૂર્તિ પર ગોલ્ડન વર્ક કરવામાં આવશે.

ગોલ્ડન વર્ક માટેના કામ પર હાલ મૂર્તિના માપ પર તેમજ સાફ સફાઈ પર કામ ચાલી રહ્યું છે. એમએલએ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 'અમે આ કામ માટે દિલ્હીની એક એજન્સીનો સંપર્ક કર્યો છે. આ ઉપરાંત મૂર્તિની આજુબાજુ માળખા બાંધવાનું કામ પણ સપ્ટેમ્બરના અંત સુધીમાં ચાલુ થઈ જશે. એકવાર માળખું બંધાઈ જાય પછી મૂર્તિનું ચોક્કસ માપ ખબર પડશે.'

આ મૂર્તિ ૨૦૦૨માં બનાવવામાં આવી હતી. આ મૂર્તિ ભારતની સૌથી ઉંચી શિવમૂર્તિ છે. આ મૂર્તિ પર ૧૯૯૬માં કામ શરૂ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ મૂર્તિ બનતાં છ વર્ષ લાગ્યાં હતાં. આ મૂર્તિ સર્વેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 'એનઆરઆઇ ડો.કિરણ પટેલે આ કાર્ય માટે ૪.૫ કરોડનું દાન આપ્યું છે. જયારે બાકીના ૨.૫ કરોડ અન્ય દાતાઓએ ફાળવ્યાં છે.'

કિરણ પટેલે આ વર્ષે જ સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. જેથી આ મૂર્તિને સોનાનો વરખ ચડાવી શકાય. આ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં આ પ્રોજેકટ માટે સાત કરોડ જેટલી રકમ એકઠી કરી છે. કિરણ પટેલે જણાવ્યું હતું કે, 'આર્થિક રીતે આ પ્રોજેકટને કોઈ જ મુશ્કેલી નડવાની નથી. આ પ્રોજેકટમાં અનેક લોકો પોતાનું યોગદાન આપવા માટે તૈયાર છે પરંતુ જો વધુ પ્રમાણમાં ફંડ આવશે તો મૂર્તિમાં વધારે પ્રમાણમાં સોનાનો ઉપયોગ કરી શકાશે.'

યોગેશ પટેલે એ પણ ઉમેર્યું હતું કે આ કામ માટે વીએમએમસી પાસેથી ઔપચારિક મંજૂરી લઈ લેવામાં આવી છે કારણ કે મૂર્તિ નાગરિક સંસ્થાની મિલકત છે. આ મૂર્તિનું કામ સંપૂર્ણપણે પૂરું થયા પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવશે.(૨૧.૧૨)

 

(11:40 am IST)