Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વરસાદની હજુ ૩૭ ટકા ઘટ છતાં વાવેતરને જીવતદાન

રાજ્યમાં કઠોળના વાવેતરમાં ૨૯ ટકા : તેલિબિયાના વાવેતરમાં ૨૫ ટકા ઘટઃ ૨૦૩ બંધમાં ૩૬ ટકા પાણી પણ જીવંત જથ્થો ૩૧ ટકા જ છે

અમદાવાદ તા. ૨૦ : છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી જાણે કાચુ સોનું વરસી રહ્યું છે. રાજયમાં અત્યાર સુધીમાં સરેરાશ કુલ વરસાદ ૬૩ ટકા જ થયો છે. અર્થાત્ હજુ ૩૭ ટકાની ઘટ છે પરંતુ ૮૪ ટકા વિસ્તારમાં વાવેતર પૂરું થયું છે. કપાસનું વાવેતર ૧૦૨ ટકા અને મગફળીનું વાવેતર ૯૭ ટકા થયું છે. એકમાત્ર કઠોળનું વાવેતર ૭૧ ટકા છે એટલે કે તેમાં ૨૯ ટકાની ઘટ છે પરંતુ હાલના વરસાદના કારણે આ તમામ વાવેતરને જીવતદાન મળ્યું છે. તાજેતરના વરસાદના કારણે રાજયના બંધો (જળાશયોમાં) નવા પાણીની આવક થઈ છે પણ હાલની સ્થિતિએ રાજયના બંધોમાં સરેરાશ કુલ ૨૬ ટકા પાણી ભરાયા છે અને તેમાં પણ પાણીનો જીવંત જથ્થો (વાપરવાલાયક)તો માત્ર ૩૧ ટકા જેટલો છે. એમ કહી શકાય કે તાજેતરના વરસાદથી વાવેતરને જીવતદાન મળ્યું છે પણ રાજયની પાણીની જરૂરિયાત તેનાથી સંપૂર્ણપણે સંતોષાઈ જાય તેવી સ્થિતિ નથી જ.

રાજયમાં કુલ સરેરાશ ૮૩૧ મિલીમીટર એટલે કે ૩૩ ઈંચથી વધુ વરસાદ પડે છે. તેની સામે અત્યાર સુધીમાં કુલ સરેરાશના ૬૩ ટકા અર્થાત ૫૧૭ મિલિમીટર એટલે કે ૨૦ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજયમાં કુલ ૮૫,૬૫,૨૬૭ હેકટર જમીનમાં ધાન્ય પાકો, કઠોળ, મગફળી સહિતના તેલિબિયાં, કપાસ સહિતના અન્ય પાકો મળીને વિવિધ પાકોનું વાવેતર થતું હોય છે. તેની સામે અત્યાર સુધીમાં ૭૨,૨૮,૫૮૩ હેકટર એટલે કે કુલ સરેરાશ વાવેતરની સામે ૮૪ ટકા વાવેતર થયું છે.

વરસાદ ખેંચાતા ખેતી ક્ષેત્રે ભારે ચિંતા ઉભી થઈ હતી. ૪૪ તાલુકામાં તો ક્ષુલ્લક વરસાદ થયો હોવાથી ત્યાં દુષ્કાળની શકયતા અંકાતી હતી પરંતુ ચાલુ સપ્તાહ દરમ્યાન સારો એવો વરસાદ થતાં ખેતી ક્ષેત્રે સારી આશા જન્મી છે. કુલ ધાન્ય પાકોનું ૯૩ ટકા, કઠોળનું વાવેતર ૭૧ ટકા, તેલિબિયાનું વાવેતર ૭૫ ટકા થયું છે. આ તમામ વાવેતર સામે જે પ્રશ્નાર્થ ઉભો થયો હતો પણ સારા વરસાદ બાદ તેને નવું જીવન મળે તેવી સંભાવના છે. હવે બાકીના વિસ્તારોમાં કઠોળ અને તેલિબિયાંનુ સારું વાવેતર થશે તેમ મનાય છે.

રાજયમાં પાણીની સ્થિતિને હજુ સારી માની ન શકાય તેવી છે. કેમ કે, કુલ ૨૦૩ બંધમાં હાલની સ્થિતિએ સરેરાશ કુલ ૩૬ ટકા પાણી ભરાયું છે. ઉત્ત્।ર ગુજરાતના બંધોમાં ૩૧ ટકા, મધ્ય ગુજરાતના બંધોમાં ૪૨ ટકા, દક્ષિણ ગુજરાતના બંધોમાં ૩૩, કચ્છના બંધોમાં ૯ ટકા તથા સૌરાષ્ટ્રના બંધોમાં ૪૧ ટકા પાણી ભરાયા છે. પરંતુ તેમાંથી વાપરવાલાયક ગણાય તેવો પાણીનો જીવંત જથ્થો કુલ સરેરાશ ૩૧ ટકા જેટલો છે એટલે રાજયના કુલ બંધો હજુ પણ ૬૯ ટકા ખાલી છે. નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધી છે પણ તે પાશેરામાં પૂણી જેવી છે.

રાજય સરકાર હાલ વરસાદ, બંધોની સ્થિતિ તથા ખેતી ક્ષેત્ર ઉપર ચાંપતી નજર રાખી રહી છે. મુખ્યમંત્રી, મુખ્ય સચિવ લગભગ એકાંતરે આ સ્થિતિની સમીક્ષા કરીને તંત્રને માર્ગદર્શન આપી રહ્યાં છે. ટૂંકમાં રાજયમાં હજુ સાર્વત્રિક વરસાદ આવશ્યક છે.(૨૧.૧૦)

વરસાદની સ્થિતિ

ઝોન

૧૮-૮-૧૭

૧૮-૮-૧૮

કચ્છ

૮૬.૪૯

૧૬.૨૪

સૌરાષ્ટ્ર

૮૧.૩૨

૬૪.૦૫

ઉ.ગુજરાત

૧૨૪.૫૬

૩૪.૦૮

મ.ગુજરાત

૬૬.૭૫

૫૨.૪૦

દ.ગુજરાત

૬૮.૮૭

૮૧.૨૩

સરેરાશ

૮૩.૭૧

૬૨.૯૭

નોંધ - આંકડા ટકામાં

(10:50 am IST)