Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

હાર્દિક પટેલની અટકાયતના પગલે સુરતમાં તંગદિલી થઇ

વરાછા રોડ પર પોલીસ પર પથ્થરમારો કરાયો : મિનીબજારમાં ઘરણા કાર્યક્રમમાં કોંગીના કોર્પોરેટર દિનેશ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા : સઘન સલામતી

અમદાવાદ, તા.૧૯ : પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે હાર્દિક પટેલ સહિત ૪૦ પાટીદાર પ્રદર્શનકારીઓની  અટકાયત કરી લેતાં રાજયભરના પાટીદાર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પાટીદારોના ગઢ મનાતા સુરતમાં તો પાટીદારોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો અને હાર્દિકની અટકાયતના સૌથી વધુ ઘેરા પ્રત્યાઘાત અહીં સર્જાયા હતા. જેમાં હાર્દિક પટલેને તાત્કાલિક મુકત કરવાની માંગણી સાથે સેંકડો પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મીની બજાર અને વરાછા મેઇન રોડ પર એક તબક્કે રોષે ભરાયેલા ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે પણ ભારે સાવધાનીપૂર્વક મામલો થાળે પાડયો હતો અને સમગ્ર સુરતમાં તાબડતોબ પેટ્રોલીંગ અને બંદોબસ્ત અસરકારક રીતે વધારી દીધા હતા. મીનીબજાર ખાતે પાટીદાર સમાજ દ્વારા પોલીસના દમનકારી વલણના વિરોધમાં જોરદાર ધરણાં પણ યોજવામાં આવ્યા હતા. હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર આગેવાનોની ક્રાઇમબ્રાંચ દ્વારા અટકાયતના વિરોધમાં સુરતમાં પાટીદારોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. પાટીદારોના ગઢ વરાછામાં મિનિબજાર ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં પાટીદારો એકઠાં થયા હતો અને ધરણાં-સૂત્રોચ્ચાર કરી હાર્દિકને તાત્કાલિક છોડવાની  ઉગ્ર માંગણી કરી હતી. પાટીદારોના વિરોધના પગલે ચુસ્ત પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.  દરમિયાન વરાછા મેઈન રોડ પર તાપી બાગ સોસાયટી સામે એક કચરા પેટીને રોડ પર ઉંધી કરી દેવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે, પોલીસે ભારે સંયમ રાખી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને ટોળાને વિખેરી નાંખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા આજે એક દિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પણ જોડાયો હતો અને હાર્દિક સાથે તેની પણ અટકાયત કરવામાં આવી છે. જેને પગલે સુરતમાં પાટીદારો દ્વારા ઘરણાં કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. અને હાર્દિક, અલ્પેશ સહીત અટકાયત કરાયેલા પાટીદારોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. દરમ્યાન સુરતમાં પાટીદારોના વિરોધ અને ધરણાંને કોંગ્રેસનું સમર્થન પણ મળ્યું હતું. સુરતના મિની બજાર ખાતે ઘરણા કાર્યક્રમાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા સહિતના કોંગી નેતાઓ હાજર રહ્યા હતા અને હાર્દિકને છોડવાની માંગ કરી રહ્યા છે. બીજીબાજુ, પરિસ્થિતિને ધ્યાનમાં લઇ વરાછા વિસ્તારમાં વિરોધના પગલે એસટી તંત્ર દ્વારા વરાછા રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને એસટી બસને વાયા કડોદરા કરવામાં આવી હતી, જ્યારે બીઆરટીએસના વરાછા રૂટને બંધ કરી દેવામાં આવ્યા હતા. સુરતની જેમ રાજયના અન્ય શહેરોમાં પણ કોઇ ગંભીર પ્રત્યાઘાત ના પડે કે, પાટીદારો દ્વારા કોઇ છમકલાં ના થાય તે માટે પોલીસ અને તંત્રનાઅધિકારીઓએ પૂરતો બંદોબસ્ત અને પેટ્રોલીંગ સહિતના પગલાં તાત્કાલિક અમલી બનાવ્યા હતા.

(8:05 pm IST)