Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ડેડીયાપાડા તાલુકાના ગારદા - મોટા જાંબુડા ગામ વચ્ચેનાં કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે ધોવાયો : વાહન ચાલકો અટવાયા

કોઝવે ઉપરથી પાણી ફરી વળતા ગારદા, ખામ, ભૂતબેડા, મંડાળા, મોટા જાંબુડા, તાબદા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા : અનેકવાર માંગણીઓ કરવાં છતાં તંત્ર કોઈ દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે.?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના ગારદા અને મોટા જાંબુડા ગામ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો અને કોઝવે સંપૂર્ણ ધોવાઈ ગયો હતો. જેના કારણે લોકો ખૂબજ મુશ્કેલીમાં મુકાયા છે,જેના કારણે 8 થી 10 કિલોમીટર નો ફેરાવો ફરીને પોતાના ઘર સુધી પહોંચવાનો વારો આવ્યો છે જેથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને લોકો એ  કોઝવેના બદલે બ્રીજ બનાવવાની માંગ કરી છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગાળદા – મોટા જાંબુડા ગામની વચ્ચે થી પસાર થતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યુ હતું. જેના કારણે ગાળદા, ખામ, ભૂતબેડા, મંડાળા, મોટા જાંબુડા, તાબદા ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.વરસાદની શરૂઆત થતાં ગાળદા અને મોટા જાંબુડાની વચ્ચે થી પસાર થતી મોહન નદીનો ચેક ડેમ પણ છલકાઈ ગયો હતો. આ ગામ વચ્ચે આવેલા કોઝવે પર પાણી ફરી વળતા લોકોને 8 થી 10 કિમી. વધુ ફરવાનો વારો આવ્યો છે. કોઝવે પાણીમાં ધોવાઈ જતા ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ બંધ થઈ ગયો છે. જ્યારે બાઈક ચાલકો ને બાઈક દોરીને પસાર થવાનો વારો આવ્યો છે. આ કોઝવે પરથી નેત્રંગ, ઉમરપાડા, કેવડી, અંક્લેશ્વર જતા નોકરિયાતોને પણ અટવાવવાનો વારો આવ્યો છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છીએ. અને અનેક વાહન ચાલકો ને અટવાવવાનો વારો આવ્યો છે, તેમજ 108 અને પ્રાથમિક સારવાર માટે લોકો એ વધુ ચક્કર લગાવવા પડે છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર જાગતું નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ અહી વિકાસ પોહચ્યો નથી

(11:59 pm IST)