Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગાંધીનગરમાં STના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે વિભાગીય વિશ્લેષણ સમિતિની કચેરીનો પ્રારંભ

રાજયના 33 જિલ્લાઓને ચાર ઝોનમાં વહેંચણી કરીને ચાર કચેરીઓ ઊભી કરાશે : ગાંધીનગરમાં બે કચેરીઓ શરૂ કરાઇ : ટૂંકસમયમાં વડોદરા, સુરત શરૂ કરાશે

ગાંધીનગર :  બોગસ અનૂસૂચિત જનજાતિના સર્ટીફીકેટના આધારે ઘણાં લોકોએ સરકારી નોકરી મેળવી લીધી હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યાં સુધી કે હાઇકોર્ટમાં રીટ અરજી થઇ હતી. તેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકર દ્વારા અનૂસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ અંગેનો કાયદો લાવવામાં આવ્યો હતો. આ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે રાજયમાં ચાર કચેરીઓ ઊભી કરવામાં આવશે. તેમાંથી આજે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણની બે કચેરીનો શુભારંભ કરાવતાં રાજ્યના આદિજાતી મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ અંગેનો કાયદો વર્ષ 2017માં પસાર કરીને તેને કાયદાકીય સ્વરૂપ આપીને તેનો ચુસ્ત અમલ શરૂ કરવામાં આવ્યો છે.

રાજયના આદિજાતી મંત્રીએ કહ્યું કે રાજ્યના 33 જિલ્લાઓને ચાર ઝોનમાં વહેંચણી કરીને ચાર કચેરીઓ કાર્યરત કરવામાં આવનાર છે. એ પૈકી ગાંધીનગર ખાતે આજે બે કચેરીઓનો શુભારંભ કરાયો છે. જેમાં અધિક કલેકટર કક્ષાના ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં વડોદરા અને સુરત ખાતે આવી બે કચેરીઓ કાર્યરત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે બ્લોક નંબર 13, જુના સચિવાલય અને બિરસા મુંડા ભવન ખાતે કાર્યરત થયેલી આ કચેરીઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ, મહેસાણા, પાટણ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ પોરબંદર અને અમરેલી જિલ્લાનો સમાવેશ કરાયો છે. જયારે વડોદરા ખાતે કાર્યરત થનાર કચેરીમાં વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લો તથા સુરત ખાતેની કચેરીમાં સુરત તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાને આવરી લેવાશે.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વ અભેસિંહ તડવી, કુંવરજી ડીંડોળ, મોહન ઢોઢિયા, આનંદ પટેલ નરેશ પટેલ, રમેશ કટારા, શૈલેષ ભાભોર, વિજય પટેલ, અરવિંદ પટેલ સહિત આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:24 pm IST)