Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સુરતમાં આત્મવિશ્વાસ વધારવા અનોખો પ્રયાસઃ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે શાળામાં ૪૫ ફૂટ ઉંચી વોલ ક્લાઇબિંગ બનાવાઇઃ દિવાલ ચડવાની તાલીમ અપાશે

સુરત: કુદરત વ્યક્તિમાં કોઈ ક્ષતિ ભલે આપે પરંતુ તેમને કોઈ ને કોઈ શક્તિ એવી આપે છે, જેને કારણે તેઓ જીવનમાં ક્યારેય હારતા નથી. દુનિયામાં અનેક લોકો એવા છે જેઓ પોતાની આંખો વડે દુનિયા જોઈ શકતા નથી, આવા દ્રષ્ટિહીન લોકોની હિમ્મત ભલ ભલાને વિચારતા કરી મુકાતી હોય છે, ત્યારે સુરતમાં આવેલી અંધજન વિદ્યાર્થીઓ માટેની શાળામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે દોઢ વર્ષના સમય વીત્યા બાદ પણ કોરોનાને કારણે રાજ્યભરની શાળાઓ હજુ પણ ખુલી નથી.

જોકે હાલમાં જ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલના દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે સુરતના ઘોડદોડ રોડ પર આવેલી દક્ષિણ ગુજરાતની એક માત્ર દ્રષ્ટિહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની શાળામાં 45 ફૂટ ઉંચી વોલ કલાઈબિંગ બનાવવામાં આવી છે. હાલ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી નથી રહ્યા પરંતુ શાળાના પ્રમુખ આનંદ ચોખાવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તેઓ વિચારી રહયા હતાં કે, વિદ્યાર્થીઓ માટે કંઈ નવું કરવું છે અને તે પણ એવું કે જેનાથી વિદ્યાર્થીઓની આત્મશક્તિ વધી જાય, ત્યારે તેમને વિચાર આવ્યો કે દિવાલ  પર ચડવાની અલગ મજા કઈ અલગ હોય છે.

જીહાં રોક ક્લાઇમ્બીંગ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેમને સ્થાનિક સાંસદ સી. આર. પાટીલ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો, પાટીલે પણ તેમની ગ્રાન્ટમાંથી ભંડોળ પૂરું પાડવાની સંમતિ આપી હતી. મહત્વનું છેકે 81 વર્ષીય આનંદ ચોખાવાલા પણ ખુબ ઉત્સાહી છે. જેથી તેમને આ વિચાર આવ્યો હતો, વોલ કે રોક ક્લાઇમ્બીંગ એ એક સાહસની રમત છે. જે દરેક વ્યક્તિના હાથની વાત પણ નથી. ઊંચા પર્વત પાર જે રીતે ચઢવાનું હોય છે તેવી જ રીતે દીવાલ એવી રીતે ચડવાનું હોય છે.

જે ઘણાને મુશ્કેલ લાગે છે. આ શાળામાં 120 છોકરાઓ અને 50 છોકરીઓ છે. ગોવર્ધનદાસ ચોખાવાલા દ્વારા તેની સ્થાપના 1954 માં કરવામાં આવી હતી અને તે દક્ષિણ ગુજરાતમાં દૃષ્ટિહીન લોકો માટેની એકમાત્ર શાળા છે. ઘોડદોડ સ્થિત શાળામાં વિદ્યાર્થીઓ માટે 45 ફૂટ ઊંચી દિવાલ તૈયાર કરી છે. આ દિવાલ 14 લાખના ખર્ચે બનાવવામાં આવી છે, જેમાં નવસારીના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમની ગ્રાન્ટમાંથી ફાળો આપ્યો છે. દૃષ્ટિહીન માટે શાળામાં દિવાલો જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે પરંતુ શાળાના વિદ્યાર્થીઓનો પ્રતિસાદ પણ એટલો જ આશ્ચર્યજનક છે. જોકે જ્યારે હવે શાળા શરુ થશે ત્યારે વિદ્યાર્થીઓ આ દિવાલ પર ચઢી પોતાનો આત્મવિશ્વાસ વધુ વધારશે એમાં કોઈ બે મત નથી.

(5:22 pm IST)