Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સુરતને વધુ એક સિદ્ધિઃ પાલ અને ઉમરા બ્રિજનો 108 કિ.મી.નો ડીડીકેટેડ કોરિડોર ભારત દેશનો સૌથી લાંબો કોરિડોર બની ગયો

સુરત: સુરત શહેરના નામે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઇ છે. સુરત તાપી નદી પર આવેલા પાલ અને ઉમરા બ્રિજનું ઉદ્ઘાટન થવાથી સાથે સુરતના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. આ બ્રિજ બનવાની સાથે બીઆરટીએસનો રૂટ સંપૂર્ણ થઈ ગયો છે. પાલ ઉમરા બ્રિજ પરથી BRTS ની બસ શરૂ થતાં આ બીઆરટીએસ રૂટ દેશનો સૌથી લાંબો બીઆરટીએસ રૂટ બની ગયો છે. આ રૂટની લંબાઈ 108 કિલોમીટરની છે. જેને હજુ લંબાવવાનું મનપા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

બીઆરટીએસ રૂટમાં 6 કિમીનો વધારો

સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેલા પહોંચી શકે તે માટે માસ ટ્રાન્સપોર્ટેશનની સેવા તરીકે બીઆરટીએસ બસ સેવા શરૂ કરી હતી. જેની અત્યાર સુધીનો રૂટ 102 કિલોમીટરનો હતો અને રોજેરોજ 90 હજાર મુસાફરો મુસાફરી કરતા હતા. જો કે હાલમાં ઉમરા બ્રિજ સુરત મહાનગરપાલિકાએ શરૂ કરેલી બીઆરટીએસ સેવા માટે મહત્વનો હતો.

બ્રિજ બનતા કનેક્ટિવિટી વધી

સુરત મહાનગર પાલિકાના તમામ ઝોનમાં BRTS રૂટ જોડાઈ તે માટે આ કડીરૂપ બ્રિજ છે. પાંચ વર્ષ સુધી આ બ્રિજ નહિ બનતા રાંદેર ઝોન અને અથવા ઝોનની બીઆરટીએસની કનેક્ટિવિટી અટકી હતી. જે આ બ્રિજ શરૂ થવાના સાથે જ પૂરી થઈ છે. આ કનેક્ટિવિટી પૂરી થતા સુરતનો બીઆરટીએસ રૂટ 102 કિલોમીટરથી વધી 108 કિલોમીટરનો થયો છે.

108 કિમીનો કોરિડોર દેશનો સૌથી લાંબો કોરિડોર બન્યો

108 કિલોમીટરનો આ ડેડીકેટેડ કોરિડોર ભારત દેશનો સૌથી લાંબો કોરિડોર બની ગયો છે. સુરત મહાનગરપાલિકાએ તમામ ઝોન સાથે કનેક્ટ થાય એવો બીઆરટીએસ રૂટની ડિઝાઇન કરી હતી. ગયા વર્ષે સુરત મહાનગર પાલિકાની હદનું વિસ્તરણ થતાં બે નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે. નવા વિસ્તારમાં પણ સામૂહિક પરિવહન સેવા શરૂ કરવા માટે મહાનગર પાલિકા તંત્ર આયોજન કરી રહ્યું છે.

(5:18 pm IST)