Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મહિસાગર જીલ્લાના સંતરામપુરમાં યુવતિના ગેરકાયદે ગર્ભપાત પ્રકરણમાં પ્રિયલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પ્રકરણ દબાવવા પ્રયાસ કરાયાનો પતિનો આક્ષેપ

મહીસાગર: મહીસાગરના સંતરામપુરમાં યુવતીના ગેરકાયદે થતા ગર્ભપાતના ખેલમાં કૂખના કાતીલો અંગે મોટો ખુલાસો થયો છે. આ મામલે પોલીસ દ્વારા એક મહિલાની ઓળખ કરાઈ હતી. ત્યારે આજે મહિલાના પતિ મોટો ખુલાસો કર્યો છે. મહિલાના પતિએ નિવેદનમાં જણાવ્યું કે, ડોક્ટર સમગ્ર મામલો દબાવવા મહિલાઓને પ્રેસર કરી રહ્યા છે.

સંતરામપુરમાં યુવતીના ગેરકાયદેસર થતા ગર્ભપાતના ખેલમાં પોલીસ દ્વારા કાળી સંગડા નામની મહિલાની ઓળખ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે કાળી બેનના પતિ વિનુભાઈ સંગાડાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ડોક્ટર સમગ્ર મામલો દબાવવા મહિલાને પ્રેસર કરી રહ્યા છે. પ્રિયલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા નામ ન આપવા જણાવ્યું હતું. પ્રિયલ હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે, હું બહાર રહી તો તમને જેલમાંથી કાઢીશ. જો હું જ જેલમાં જતો રહીશ તો તમને કોણ જેલમાંથી કઢાવશે.

કાળી બેનના પતિ વિનુભાઈ સંગાડાએ જણાવ્યું કે, ગર્ભપાતનો ધંધો પ્રિયલ હોસ્પિટલના ડોક્ટર એમ આર શાહ કરતા હતા. અમે ગરીબ પરિવારના છે અને ડોક્ટરના ઇશારે મારી પત્ની કામ કરતા હતા. મારી પત્ની મીડિયા સાથે વાત કરવા માંગી રહી છે. આજે સવારે પોલીસ સ્ટેશન મળવા ગયેલા મીડિયા કર્મીઓને કાળી બેનના પતિએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી સહિત ગૃહ મંત્રીનો આદેશ હોવા છતાં પણ ભીનું સંકેલાઈ રહ્યું છે. ત્યારે આખરે હવે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સંતરામપુરમાં ગર્ભપાતનો બહાર આવેલો આ કિસ્સો અત્યંત ધૃણાસ્પદ છે. યુવતીનું અમાનવીય રીતે ગર્ભપાત કરવામાં આવ્યું હતું. સંતરામપુર નગરમાં આવેલા FCI ગોડાઉન પાછળના ભાગમાં એક મકાનમાં મહિલાના પેટમાં રહેલા બાળકની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. આ અંગે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઇને પણ છોડવામાં આવશે. આ કિસ્સામાં ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે.

(5:17 pm IST)