Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ઉમરેઠના પ્રતાપપુરામાં રેતી સંગ્રહ કરતા ચાર શખ્સોને નોટિસ ફટકારતા ફફડાટ

આણંદ:જિલ્લામાંથી પસાર થતી મહી અને સાબરમતી નદીમાંથી રેતી કાઢવાની લીઝ કાર્યરત છે. જે અંતર્ગત પરવાનો મેળવી રેતીનો વ્યવસાય પરવાનેદારો દ્વારા કરવામાં આવતો હોય છે ત્યારે કેટલાક લીઝધારકો દ્વારા ખનીજ ખનનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતુ હોવાની ફરિયાદો વચ્ચે ખાણ-ખનીજ વિભાગ દ્વારા આવા તત્વો સામે લાલ આંખ કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવતો હોય છે. ચોમાસા દરમ્યાન પાણીનું લેવલ વધતા નદીના વહેણમાં ઢસડાઈ આવેલ રેતી લીઝ ધારકો કાઢતા હોય છે. મોટા ભાગે નદીમાં પાણીનું લેવલ ઓછુ હોય ત્યારે જ લીઝ કાર્યરત હોય છે. ચોમાસા દરમ્યાન પાણીનું લેવલ વધતા લીઝ બંધ થઈ આ સમયગાળા દરમ્યાન રેતીની અછત સર્જાતી હોવાથી કેટલાક લીઝધારકો અગાઉથી રેતી કાઢી સ્ટોક કરતા હોય છે અને અછતના સમયગાળા દરમ્યાન મોંઘા ભાવે રેતી વેચી તગડો નફો રળી લેતા હોય છે. 

હાલ ચોમાસાનો સમય ચાલુ હોઈ આણંદ ખાણ-ખનીજ વિભાગ દ્વારા સંગ્રહખોરો સામે તપાસ હાથ ધરવા ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે દરોડો પાડયા હતા. આ દરોડા દરમ્યાન ચાર સ્થળોએ રેતીના ઢગલા પડયા હોવાનું નજરે પડયું હતું. આ અંગે વધુ તપાસ કરતા બિનઅધિકૃત રીતે રેતીનો સંગ્રહ કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી આ અંગે સંગ્રહખોરોને નોટિસ પાઠવી દંડની વસુલાત કરવાની કામગીરી કરવામાં આવી હોવાનું રોયલ્ટી ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું.

 

(4:54 pm IST)