Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

બાયડ તાલુકામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર

અરવલ્લી: જિલ્લામાં પોલીસ નિષ્ક્રિય થતાં વ્યાજખોરો બેફામ બન્યા છે. બાયડ તાલુકાના સરસોલીના વેપારી કુંદનભારથી એમ. ગોસ્વામીએ વ્યાજખોરોથી તંગ આવી ઉંઘની ગોળીઓ લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે બાયડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાયડ તાલુકા વહીવટી તંત્રએ આત્મહત્યાનો પ્રયાસ કરનાર વેપારીનું નિવેદન નોંધ્યું છે. ગમે તે ઘડીએ ૩ જેટલા વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ થઈ શકે છે.

કોરોનાના કપરા કાળમાં વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. આબરૂ સાચવવા અનેક વેપારીઓએ વ્યાજે પૈસા લીધા હતા. તાલુકાના સરસોલીના વેપારીએ વ્યાજે પૈસા લીધા પછી વ્યાજખોરોને અત્યાર સુધીમાં તગડું વ્યાજ ચૂકવ્યું હતું. એક રીતે આખી જીંદગી વ્યાજ આપ્યા રાખ્યું અને વધારે વ્યાજની ગણતરી કરી ૩ દિવસ અગાઉ વ્યાજખોરોએ વેપારીના ઘરમાં ઘૂસી હલ્લો મચાવતાં આબરૂ જવાની બીક લાગતાં ગેનની ગોળીઓ ગળી લીધી હતી. પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયાસમયસરની સારવારથી વેપારીનો જીવ તો બચી ગયો છે. બાયડ મામલતદાર કચેરી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરનાર વેપારીનું ડી.ડી. નોંધવામાં આવ્યું છે જેમાં ૩ જેટલા વ્યાજખોરોએ ધમકી આપવાની સાથે દિકરાને પણ મારી નાખીશું અને ઘર સળગાવી મૂકશું તેવી ધમકી આપ્યાનું નિવેદન નોંધાવ્યું છે.

 

(4:52 pm IST)