Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગુજરાતમાં ૬ મહિનામાં ૧૦૦ કરોડના નશીલા દ્રવ્યો ઝડપાયા

અમદાવાદ તા. ૨૦ : રાજયમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો કારોબાર વધી ગયો છે. પરંતુ તેને ધ્યાનમાં રાખીને ડ્રગ્સ વિરોધી ભારત અભિયાનમાં ગુજરાતનું ગૃહ વિભાગ સક્રિય જોવા મળ્યું છે. રાજયના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા અઢી વર્ષમાં ઘણો નશાનો જથ્થો ઝડપાયો છે. જેથી કહી શકાય કે ગુજરાતનું ગૃહ વિભાગ ડ્રગ્સના કારોબારને લઈને ઘણું સક્રિય જોવા મળ્યું છે.

છેલ્લા ૬ મહિનામાં ૧ અબજથી વધુની કિંમતના નશીલા દ્રશ્યો ઝડપાયા છે. તેમજ ડ્રગ્સની હેરાફેરી કરતા ૨૫૧ કરતા વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી નશીલા પદાર્થો મળી આવ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષની અંદર બનાસકાંઠામાં સૌથી વધારે કેસ જોવા મળ્યા છે. જેમા આરોપીઓ પાસેથી ચરસ, ગાંજો અને અફીણ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. બનાસકાંઠામાં અઢી વર્ષમાં નશીલા દ્રવ્યો ઝડપાવાના ૫૯ જેટલા કેસ સામે આવ્યા છે. જેથી ત્યા સૌથી વધારે નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તેવું કહી શકાય.

બીજી તરફ જો અમદાવાદ સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોની વાત કરવામાં આવે. તો અહીયા પણ સ્થાનિક પોલીસ દ્વારા અવાર નવાર નશીલા દ્રવ્યોનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. અઢી વર્ષમાં અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરમાં કુલ ૫૦ કરતા પણ વધારે વખત નશીલા દ્રવ્યો ઝડપાયા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ થોડા દિવસ અગાઉ દિલ્હીમાં ૨૫૦૦ કરોડના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેજ દિવસે અમદાવાદમાં ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તે આરોપી પણ દિલ્હીથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવ્યો હતો.

(3:20 pm IST)