Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ધોરણ-10ની પરીક્ષામાં બે ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા

ગીર સોમનાથ અને આણંદમાંથી એક-એક ડમી વિદ્યાર્થી પકડાયો :અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત રાજયમાં 9 જેટલાં કોપી કેસ નોંધાયા

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે લેવામાં આવેલી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં બે ડમી વિદ્યાર્થીઓ પકડાયા છે,તેમાં ગીર સોમનાથ અને આણંદમાંથી એક-એક ડમી વિદ્યાર્થી પકડાયો હોવાનું જાણવા મળ્યું છે. જયારે 9 જેટલા કોપી કેસ નોંધાયા હતા જેમાં 1 અમદાવાદ શહેર તથા 1 અમદાવાદ ગ્રામ્યમાં નોંધાયો હોવાની હકીકત જાણવા મળી છે. સોમવારના રોજ લેવામાં આવેલી પરીક્ષામાં મોટાભાગના પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહતની લાગણી અનુભવી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારના રોજ ધોરણ-10માં વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, અંગ્રેજી, તામીલ વિષયોની પરીક્ષા લેવાઈ હતી. જ્યારે ધોરણ-12 સાયન્સમાં જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. મોટાભાગના પેપરો વિદ્યાર્થીઓની અપેક્ષા મુજબ સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.

ધોરણ-10ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 2,44,996 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા દરમિયાન 2,20,547 એટલે કે સરેરાશ 90.02 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ-10ની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં 1, અમદાવાદ ગ્રામ્યમાં 2, સાબરકાંઠામાં 1, ગીર સોમનાથમાં 2 અને મહીસાગરમાં 1 કોપી કેસ નોંધાયા હતા. જ્યારે આણંદમાં એક ડમી વિદ્યાર્થી અને ગીર સોમનાથમાં એક ડમી વિદ્યાર્થી પકડાયો હતો.

(10:29 pm IST)