Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

નડિયાદ રૂરલ પોલીસે બાતમીના આધારે ટ્રેકની અટકાયત કરીને 26.17 લાખનો વિદેશી દારૂ પકડ્યો

નડિયાદ: તાલુકાના ડભાણ સીમમાંથી પસાર થતી એક ટ્રકમાંથી નડિયાદ રૂરલ પોલીસે રૂપિયા ૨૬.૧૭ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બે ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ નડિયાદ રૂરલ પોલીસે ડભાણ ચોકડી નજીક વોચ ગોઠવી વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતુ. આ ચેકીંગ દરમિયાન ટ્રક નં આરજે ૨૪ જીએ ૧૩૭૨ આવતાં પોલીસે તેને રોકી હતી. અને તલાશી લેતાં આ ટ્રકમાંથી પ્લાસ્ટીકની થેલીઓના કટ્ટા નીચેથી વિદેશી દારૂના અલગઅલગ માર્કાની ૫૨૩૫ નંગ બોટલો કિંમત રૂ.૨૬,૧૭,૫૦૦ ની મળી આવી હતી. પોલીસે ટ્રકમાં બેઠેલા અનિલકુમાર ધરમવીર ધાનક (રહે.રાજસ્થાન) અને નરેશકુમાર મહાસિંઘ (રહે.હરિયાણા) ની ધરપકડ કરી હતી. અને બંને ની તલાશી લેતાં તેમની પાસેથી રૂ.૧૯૨૦ રોકડા, બે નંગ મોબાઈલ રૂ.૨૦૦૦ મળી આવ્યાં હતાં. નડિયાદ રૂરલ પોલીસ રૂ.૧૦,૦૦,૦૦૦ ની ટ્રક સાથે કુલ રૂ.૩૬,૨૧,૪૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમો વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. ખેડા જિલ્લામાંથી પસાર થતાં ને.હા નં ૮ પરથી છેલ્લાં ઘણાં સમયથી મોટા જથ્થામાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા આ દારૂ પકડાય છે. પરંતુ આ દારૂ ક્યાં ઉતારવામાં આવનાર છે તે વિગત પોલીસ બહાર કાઢી શકી નથી. તેમજ અત્યાર સુધી લોકલ બુટલેગરોના નામ પણ બહાર આવ્યાં નથી.

(4:45 pm IST)