Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

પાલનપુર સિવિલ હોસ્પિટલના આઠ સફાઈ કામદારોએ ઝેરી દવા ગટગટાવી

પાલનપુર: શહેરની સિવિલ હોસ્પિટલમાં વેતન વધારાને લઈ સફાઈ કામદારોએ કોન્ટાર્કટર સામે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં હડતાલીયા કામદારોની માગ સંતોષવામાં ના આવતા તેમજ હોસ્પિટલમાં નવા કામદારોની નિમણૂંક કરવામાં આવતા હડતાળીયા આઠ કામદારોએ સામુહિક હત્યા કરવા માટે હોસ્પિટલના પ્રાંગણમાં ફીનાઈલ ગટગટાવી દેતા દોડધામ મચી જવા પામી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારઅર્થે સિવિલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય કામદારોએ સતત ત્રીજા દિવસે પણ હડતાળ જારી રાખી હતી.પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતું વેતન ચૂકવવામાં ન આવતા તેમજ તેમને યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવતા અને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવતા ૮૦ જેટલા કામદારોએ બુધવારથી હડતાલનો માર્ગ અપનાવ્યો છે અને હડતાલીયા કામદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયની ગુહાર લગાવી હતી. જે વચ્ચે હડતાળના બીજા દિવસે કોન્ટ્રાક્ટર દ્વારા નવા માણસોને ફરજ પર મુકવાનો પ્રાસ કરાતા હડતાલીયા કામદારોએ હોબાળો કરતા સંઘર્ષની સ્થિતિ ઉભી થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.દરમિયાન લેબર ઓફિસરની ઉપસ્થિતિમાં કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સાથે હડતાળીયા કર્મચારીઓની સમાધાન માટેની બેઠક યોજાઈ હતી. પરંતુ હાંકી કઢાયેલા કર્મચારીઓને પરત લેવાના મુદ્દે સમાધાન ન થતા હડતાળ યથાવત રહી હતી અને હડતાળના ત્રીજા દિવે હાંકી કઢાયેલા બે પુરુષ અને છ મહિલા મળીને કુલ આઠ કામદારોએ સિવિલના બગીચામાં સામુહિક આત્મહત્યા કરવા માટે ફીનાઈલ ગટગટાવી દેતા ચકચાર મચી જવા પામી હતી અને ઈજાગ્રસ્તોને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ, પાલનપુર સિવિલમાં કામદારોની હડતાળને ઉપરાંત આઠ કામદારોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોસ્પિટલ બેડામાં દોડધામ મચી જવા પામી છે.

(4:43 pm IST)