Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

અમદાવાદ-વડોદરા હાઇવે પર પાર્ક કરેલ કાર પાછળ કાર ભટકતા મહિલાનું મોત: પાંચને ઇજા

આનંદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલી સામરખા ગામની સીમમાં ગઈકાલે સાંજના સુમારે ઊભેલી કારની પાછળ કાર ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત થવા પામ્યું હતુ જ્યારે પાંચને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા ખાતે રહેતા કુલદીપભાઈ ઘનશ્યામભાઈ લાંધણેજાની સાસરી અમદાવાદમાં મરણ પ્રસંગે સામાજીક વિધિ રાખી હોય તેઓ ગઈકાલે પિતાની વેગનઆર કાર નંબર જીજે-૦૬, એચએલ-૭૩૨૩માં પિતા ઘનશ્યામભાઈ, માતા રંજનબેન, બહેન સ્વાતીબેન, બનેવી દિનેશભાઈ ચંદુલાલ લગથરીયા તથા અઢી વર્ષની ભાણી પ્રીશાને લઈને અમદાવાદ ગયા હતા. ત્યાંથી પરત વડોદરા આવી રહ્યા હતા ત્યારે સાડા પાંચેક વાગ્યાના સુમારે સામરખા ગામની સીમમાં ભાણીને પેશાબ લાગતાં કારને સાઈડ પર ઊભી રાખી હતી. પેશાબ કર્યા બાદ કારમાં બેસીને કાર સ્ટાર્ટ કરે તે પહેલાં જ પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી એક બ્રેજા કાર નંબર જીજે-૨૩, બીડી-૪૧૮૯ અથડાતાં રંજનબેનને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થવા પામ્યું હતુ. જ્યારે ઘનશ્યામભાઈ, સ્વાતીબેન અને દિનેશભાઈને ઈજાઓ થવા પામી હતી. બ્રેજા કારમાં સવાર વાસદના ચેતનભાઈ પુરોહિત અને મીનાબેન પુરોહિતને પણ વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસ અને ૧૦૮ મોબાઈલ વાનને કરતાં તેઓ આવી ચઢ્યા હતા અને ઘવાયેલા પાંચેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(4:36 pm IST)