Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં તીડના આક્રમણથી ખેડૂતોમાં ચિંતા : કૃષિમંત્રી સહિતના આજે નિરીક્ષણ કરશે.

બનાસકાંઠા, તા. ર૦ : સુઇગામ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી તીડનો આતંક હોઈ ખેડૂતો ચિંતિત છે. શરૂઆતમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા દવા છંટકાવ કરી તીડ નો નાશ કરાયો પરંતુ ઈંડા માંથી સેંકડોની સંખ્યામાં તીડના બચ્ચાં નીકળતાં ફરીથી સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ શરૂ થયુ છે. જોકે, થોડાક સમય અગાઉ કૃષિમંત્રી આર.સી. ફળદુએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા બાદ પણ ફરી તીડ આક્રમણ થતા શનિવારે કૃષિમંત્રીની ફરી રિએન્ટ્રી થશે.

સુઇગામ અને વાવ પથંકમાં થોડાક સમય અગાઉ તીડનું આક્રમણ થયુ હતુ. જેને લઇ તંત્ર ઘ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડાક સમય બાદ ફરી તીડ આક્રમણ થતા ખેડુતો મુંઝાયા હતા. ખેડુતોએ તંત્રને રજૂઆત કરતા તેમની સમસ્યાનું સમાધાન ન આવતા તેમણે સ્વખર્ચે દવાનો છંટકાવ કર્યો હતો. ઘટનાની ગંભીરતાની ધ્યાને લઇ શનિવારે ફરીથી કૃષિમંત્રી આર.સી.ફળદુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

બનાસકાંઠામાં તીડ આક્રમણને લઇ ખેડુતોની રજૂઆતોને લઇ તંત્ર ઘ્વારા અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઇ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જોકે, ફરીથી તીડનું આક્રમણ થતા શનિવારે કૃષિમંત્રી આર.સી.ફળદુ, શંકર ચૌધરી સહિત ખેતીવાડી અધિકારીઓ વિસ્તારની મુલાકાત તીડ નો ઉપદ્રવ વધુ ન વધે તે માટે નિરીક્ષણ કરશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

(2:49 pm IST)