Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

લાંચ લેવી તે જ ગુન્હો છે તેવી માન્યતા ભૂલ ભરેલીઃ લાંચની માંગણી કરવી તે પણ ગુન્હો બને છેઃ ભ્રષ્ટાચારની નવી કલમનો અમલ

૧૦ હજારની લાંચ માંગ્યા બાદ શંકા જતા લાંચ લીધા વિના હેડ કોન્સ્ટેબલ નાસી ગયેલોઃ લાંચની માંગણીના પુરાવા આધારે એસીબી વડા કેશવકુમાર સાથે પરામર્શ કરી અમદાવાદમાં ગુન્હો દાખલ કરવાની નવતર ઘટના

રાજકોટ, તા., ૨૦: અત્યાર સુધી એવી માન્યતા હતી કે લાંચ લેતા પકડાઇ તો જ એસીબી ગુન્હો દાખલ કરે પરંતુ મોટાભાગના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જે આવુ માને છે તેમની માન્યતા ભૂલભરેલી છે. હવે લાંચની માંગણી કરવામાં આવશે તો પણ એસીબી ગુન્હો દાખલ કરતા અચકાશે નહી, આ માત્ર વાત જ નથી એસીબીએ આનો અમલ પણ શરૂ કરી દઇ અમદાવાદના એક હેડ કોન્સ્ટેબલ સામે ૧૦ હજારની લાંચની માંગણીનો ગુન્હો પણ દાખલ કરી દીધો છે.

અમદાવાદ શહેર ટ્રાફીકમાં(બી ડીવીઝન પોલીસ મથક)માં ફરજ બજાવતા એક શખ્સના  પિતાને અકસ્માત તથા તેઓ ફરીયાદ કરવા મીઠાખળી પોલીસ મથકમાં ગયા હતા, ફરજ પરના હેડ કોન્સ્ટેબલ સુજલ કાપડીયાએ ફરીયાદ નોંધવાના બદલે એવું જણાવ્યું કે 'તમારા પિતા રોંગ સાઇડમાં હોવાથી અકસ્માત થયો હતો' જેથી આ બાબતે ફરીયાદ લઇ શકાય નહી.

સંબંધક અરજદારે ફરીયાદ લેવા ખુબ આગ્રહ રાખતા ફરીયાદ દાખલ કરવા માટે ૧૦ હજારની માંગણી કરી અને ૧૦ હજાર મળ્યે જ ફરીયાદ દાખલ કરશે તેવું જણાવતા અરજદારે સહમતી આપી અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક સાધેલ.

ગમે તે બન્યું હેડ કોન્સ્ટેબલ સુજલ કાપડીયાની શંકા જતા તેણે પૈસા સ્વીકાર્યા નહી અને ત્યાંથી નિકળી ગયો. આમ આરોપીએ લાંચ ન સ્વીકારી પરંતુ લાંચની માંગણી કરી હોવાથી એસીબી વડા કેશવકુમાર સાથે પરામર્શ કરી પીઆઇ શ્રીમતી રીધ્ધીબેન દવેએ ગુન્હો દાખલ કરી દીધેલ.

(11:41 am IST)