Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જી.સી.સી. પરીક્ષામાં ૬૦ વર્ષ પછી નવો અભ્યાસક્રમઃ જૂના કોર્ષ મુજબની છેલ્લી પરીક્ષા આવતા મહિને

સ્ટેનોગ્રાફીની પરીક્ષા પદ્ધતિમાં જરૂરી ફેરફારો : સ્પીડનું પ્રમાણપત્ર અપાશે

રાજકોટ, તા. ૨૦ : રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી જી.સી.સી. (ગર્વમેન્ટ કોમર્શીયલ સર્ટીફીકેટ્સ) કોમ્પ્યુટર - સ્ટેનોગ્રાફીની પરીક્ષાઓ ૧૯૬૦થી એટલે કે આજથી ૬૦ વર્ષ પહેલા ટાઈપરાઈટર ઉપર અલગ અલગ ઝડપ મુજબ સ્પીડટેસ્ટ, લેટર, સ્ટેટમેન્ટ, એડર્વટાઈઝમેન્ટ, બેલેન્સશીટ વિ. બે કલાકના પ્રશ્નપત્રો મુજબ લેવામાં આવતી હતી. પરીક્ષાઓ ટાઈપરાઈટરના બદલે કોમ્પ્યુટર ઉપર લેવાનું શરૂ ૨૦૦૯થી થયુ, પરંતુ જુની ટાઈપરાઈટરની પદ્ધતિ પ્રમાણે જ ૯ થી ૧૦ વર્ષ પરીક્ષાઓ કોમ્પ્યુટર ઉપર લેવાયેલ.

રાજય પરીક્ષા બોર્ડને હવે પરીક્ષા પદ્ધતિમાં સુધારો જરૂરી લાગતા, નવી પરીક્ષા સમિતિની નિમણુંક કરી, અનુભવી તજજ્ઞોના અભિપ્રાય મુજબ પરીક્ષા પદ્ધતિનું નવું માળખુ તૈયાર કરી રહેલ છે. કોમ્પ્યુટર - સ્ટેનોગ્રાફી (અંગ્રેજી - ગુજરાતી - હિન્દી - શોર્ટહેન્ડ)ના ઉમેદવારોની સરકારી કચેરીઓ, કોર્ટ, રેલ્વે, સચિવાલય, ઈન્કમટેક્ષ, કોર્પોરેશન વિ.જગ્યાઓએ જરૂરીયાત હોય છે અને અવાર - નવાર જાહેરાતો દ્વારા ભરતી થતી હોય છે.

નવી જી.સી.સી. પરીક્ષા પદ્ધતિથી ગુજરાતના યુવક - યુવતીઓને નોકરીની તક મળશે તેમજ સફળ ઉમેદવારો માટે પરીક્ષા પાસ કરવી સહેલી પડશે તેમ નવી પરીક્ષા પદ્ધતિના કન્વીનર મહેશભાઈ મહેતા (રાજકોટ)એ જણાવેલ હતું. આ સમિતિમાં ગાંધીનગરથી રા.પ.બોર્ડના અધ્યક્ષ શ્રી પી.એ. જલુ, ડો.દેવદત પંડ્યા, વત્સલ વોરા, સચિવાલય, પ્રવિણ જોષી નિવૃત સચિવ, સુરેન્દ્રસિંહ ચાવડા, સંજય દવે વિ. પોતાની સેવા આપી રહેલ છે.

નવી પરીક્ષા પદ્ધતિમાં અંગ્રેજી - ગુજરાતી - હિન્દી - કોમ્પ્યુટરની એક કલાકની એક જ પરીક્ષા લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીની ઝડપ (સ્પીડ)ની લાયકાત મુજબ બોર્ડ તરફથી જે તે સ્પીડનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ૧૦૦ માર્કસના પેપર્સમાં ૫૦ ગુણ પાસ થવા માટે જરૂરી રહેશે. આ નવા માળખાનો સંપૂર્ણ રીપોર્ટ મહેશભાઈ મહેતાએ તૈયાર કરેલ છે. જયારે સ્ટેનોગ્રાફીની પરીક્ષા પદ્ધતિમાં પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ જરૂરી ફેરફારો કર્યા છે.

જી.સી.સી. ઓગષ્ટ ૨૦૧૯ની પરીક્ષાના ફોર્મ તા.૨૩ જુલાઈ સુધી કોઈપણ માન્ય સંસ્થા અથવા તો ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. સ્ટેનોગ્રાફીની પરીક્ષા ગાંધીનગર મુકામે તા.૧૦-૧૧ ઓગષ્ટના રોજ તેમજ કોમ્પ્યુટરની પરીક્ષાઓ દરેક જિલ્લામાં ૧૭-૧૮ ઓગષ્ટના રોજ લેવાશે. જેની હોલ ટીકીટ તા.૫ ઓગષ્ટથી મળી શકશે. વધુ માહિતી માટે પરીક્ષા સમિતિના સદસ્ય મહેશભાઈ મહેતા (મો.૯૮૨૪૨ ૪૪૫૫૦) મહેતા ઈન્સ્ટીટ્યુટ, સર લાખાજીરાજ રોડનો રાજકોટ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

(11:40 am IST)