Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રાજયભરના મેડિકલ શિક્ષકોના આંદોલનના મંડાણઃ અમદાવાદમાં મહારેલી

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે માત્ર સરકારના અધિકારીઓએ મિટીંગ કરતા સફળતા ન મળીઃ ૧ ઓગસ્ટથી હડતાલ

રાજકોટ તા. ર૦ :.. ગુજરાત રાજયના જુદી જુદી મેડિકલ કોલેજના અધ્યાપકોના અણઉકેલ પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજથી મેડીકલ શિક્ષકોના આંદોલનના મંડાણ થયા છે.

આજે બપોરે ર વાગ્યે અમદાવાદમાં મહારેલી સાથે સરકાર સામે આક્રોશભેર રજૂઆત કરવામાં આવશે.

ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસીએશનના પ્રતિનિધીઓ સાથે ગઇકાલે ગાંધીનગરમાં મીટીંગ મળી હતી પરંતુ આ મીટીંગમાં કોઇ મંત્રીશ્રી ઉપસ્થિત રહયા ન હતા માત્ર સરકારના અધિકારીઓએ જ મીટીંગ કરતા કોઇ નિવેડો આવ્યો ન હતો. અને ૧ ઓગસ્ટથી હડતાલની ચિમકી આપી છે.

આજે બપોરે ર વાગ્યે અમદાવાદ ઇન્કમટેકસ સર્કલ ખાતે તબીબી શિક્ષકોની રેલીનો પ્રારંભ થશે અને કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવશે.

ગુજરાતની જુદી જુદી મેડીકલ કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોના જુદા જુદા પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસીએશન દ્વારા અત્યાર સુધીમાં અસંખ્ય વખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. જેના કારણે હવે એસોસીએશન  દ્વારા ગુજરાતની તમામ સરકારી, જીએમઇઆરએસ અને મ્યુનિ. મેડીકલ કોલેજના અધ્યાપકોએ અમદાવાદમાં મહા રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યુ છે. છતાં જો પ્રશ્નોના ઉકેલ ન આવે તો તા. ૧ લી ઓગસ્ટથી તમામ મેડીકલ કોલેજોમાં હડતાલ કરવાની ચીમકી અપાઇ છે. મેડીકલ અધ્યાપકોના આ આંદોલનને ગુજરાત રાજય અધ્યાપક મહામંડળ દ્વારા પણ ટેકો જાહેર કરાયો છે. ગુજરાત મેડીકલ રાજય સરકાર સમક્ષ અત્યાર સુધીમાં ૧પ૦ થી વધારે વખત રજૂઆતો કરવામાં આવી છે. ૬ માસ પહેલા લેખિતમાં સરકારે તબીબી અધ્યાપકોના પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. જેના કારણે વર્ષ ર૦૧ર થી પહેલી વખત ગુજરાતના તબીબી શિક્ષકોએ આંદોલન કરવાની ફરજ પડી છે. નિમણુકોના અભાવે અધ્યાપકોને પ્રમોશન મળતું નથી.

૧૦ વર્ષથી એકપણ પ્રમોશન થયા નથી. છેલ્લા ૮ થી ૧૦ વર્ષમાં જીપીએસસીના ઇન્ટરવ્યુ થયા નથી. કાયમી નિમણુંક કરવાના બદલે હંગામી ધોરણો નિમણુક કરીને કામ ચલાવાય છે.

અધ્યાપકની મુખ્ય માગણીમાં ગુજરાતના તબીબી શિક્ષકોને ૭મા પગારપંચ મુજબ યુજીસીના ધારા ધોરણ પ્રમાણે એરીયર્સ ચુકવવામાં આવે, જીએમઇઆરએસ કોલેજોમાં બાકી રહેલા તબીબી શિક્ષકોની સેવા નિયમિત કરવી, છેલ્લા ૮ થી ૧૦ વર્ષાથી એડહોક ધોરણો કામ કરતાં અધ્યાપકોને ખાસ કિસ્સાઓમાં નિયમિત કરવામાં આવે ઉપરાંત વિભાગ કક્ષાએ વહીવટ અને સેવાલક્ષી પડતર પ્રશ્નોના તાકીદે ઉકેલ લાવવામાં આવે વગેરે માંગણીઓનો સમાવેશ થાય છે.

ઉપરોકત માંગણીઓ સાથેનું આવેદન પત્ર આજે કલેકટરશ્રીને પાઠવશે.

(11:39 am IST)