Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ખેડૂતો દ્વારા ૩ વર્ષમાં ૨.૦૯ લાખ યુનિટ સૌર ઉર્જા ઉત્પન્ન

સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીયસ્તરે સ્થાપિતઃ ટુંડીમાં વિશ્વની સૌપ્રથમ સૌર ઉર્જા સહકારી મંડળી સક્રિય

અમદાવાદ,તા.૧૯: ગુજરાતે દૂધ મંડળીઓ, ખેડૂત સેવા સહકારી મંડળીઓ, હાઉસીંગ ધિરાણ મંડળીઓ, વન પેદાશ મંડળીઓ, ઉપરાંત આવી તો અનેક બહુહેતુક સહકારી મંડળીઓ દ્વારા સહકારી ક્ષેત્રે નામના મેળવી છે. પરંતુ ખેડા જિલ્લાના ઠાસરાથી માત્ર બે કિલો મીટરના અંતરે આવેલા ઢુંડી ગામે માત્ર ગુજરાત કે સમગ્ર રાષ્ટ્રમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી લિ. કાર્યરત કરી ચરોતરમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ પ્રસિધ્ધ અમૂલ મોડલ બાદ સોલાર એનર્જી ઉત્પાદનમાં માત્ર ૧૫૦૦ની વસ્તી ધરાવતા ઢુંડી ગામે સમગ્ર રાષ્ટ્રને નવી દિશા ચીધી છે. ઢુંડી ગામના ૯ ખેડૂતોએ ટેકનોલોજીનો વિનિયોગ કરી સૂર્ય શક્તિને ધરતી પર ઉતારી પોતાની ખેતી ઉપરાંત વધારાની વિજળી એમજીવીસી એલને વેચીને દરેક ખેડૂતે ૧.૫૦ લાખની વધારાની આવક મેળવી છે. મંડળીના મંત્રી પ્રવિણભાઇએ જણાવ્યું  કે અત્યારિ સુધીમાં ૯ ખેડૂતો દ્વારા ૨,૦૮,૯૧૩ યુનિટ વીજળી મધ્યી ગુજરાત વીજ કંપનીને ગ્રીડ મારફત વેચાણ કરવામાં આવી છે. જેની મંડળીને કુલ ૧૨ લાખની વધારાની આવક મળી છે. સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પ્રવિણ પરમારનો દાવો છે કે સમગ્ર વિશ્વમાં સોલાર ઊર્જા પેદા કરતી ખેડૂતોની સહકારી મંડળી સ્થાપિવાની નવતર પહેલ ઢુંડી ગામે ફેબ્રુઆરી – ૨૦૧૬ માં કરી હતી. સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીમાં ૧૬ જેટલા ખેડૂત સભાસદ છે જે પૈકી ૯ ખેડૂતોને કોલંબો બેઝ ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ - ટાટા વોટર પોલીસી પોગ્રામ(આણંદ) દ્વારા નેશનલ સોલાર પાવર મિશન હેઠળ ૯૫% સહાયથી સોલાર સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે.મંડળીમાં ત્રણ ખેડૂતો એક વર્ષ બાદ જોડાયા હતા. ઢુંડી ગામમાં ૧૦.૮ કિલોવોટના ૩ અને ૮ કિલોવોટના ૩, પાંચ કિલોવેાટના ૩ સહિત કુલ ૭૧.૪ કિલોવોટના ૯ પ્લાન્ટ કાર્યરત છે.  જેમાં રોજના ૩૫૦ યુનિટ સોર ઉર્જાનું ઉત્પાદન થાય છે. ખેડૂતો આ સૌર ઉર્જાનો સિંચાઇ માટે જરૂરિયાત મુજબ  ઉપયોગ કરે છે. ત્યારબાદ જે વિજળી સરપ્લસ રહે છે. તેને ગ્રીડ મારફત મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ને ૪.૬૩ ના દરે વેચાણ કરવામાં આવે છે. આ માટે મંડળીએ એમજીવીસીએલ સાથે ૨૫ વર્ષનો પરચેઝ પાવર એગ્રીમેન્ટ(પીપીએ) કર્યો છે તેમ શ્રી પરમારે જણાવ્યું હતું. પ્રવિણભાઇએ ઉમેર્યુ હતું કે અગાઉ ખેડૂતો સિંચાઇ માટે ડીઝલ પંપ સેટનો ઉપયોગ કરતા હતાં અને રોજના ૫૦૦ થી ૭૦૦ લેખે એક ખેડૂતને મહિને અંદાજે ૨૦ હજારનો ખર્ચ થતો હતો એટલુ જ નહિ ડીઝલ લેવા જવા માટે સમય અને નાણાનો વ્યય થતો હતો જેની બચત થઇ છે. વધુમાં ડીઝલ એન્જિનથી પર્યાવરણને પણ નુકશાન થતું હતું જેથી વાતાવરણમાં પ્રદુષણની માત્રા વધતી હતી પરંતું સોલાર પંપથી સિંચાઇ થતાં ગ્રીન અને ક્લીન એનર્જી મળવાની સાથે પ્રદૂષણ થતું અટક્યું છે. ખેડૂતોને શરૂઆતના બે વર્ષમાં યુનિટ દીઠ ૧.૨૫ ગ્રીન એનર્જી બોનસ તથા ૧.૨૫ વોટર કન્ઝતરવેશન બોનસ પણ ચુકવવામાં આવ્યું છે.

(9:57 pm IST)