Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં ગેસનો બાટલો ફાટતા પાંચના મોત

સુરત: પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સોની પાર્કમાં ગેસનો બાટલો ફાટવા મામલે 5 ઇસમોને ગંભીર હાલતમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો પાંચ પૈકી 1 ઇસમનું ઘટનાના દિવસે ટૂંકી સારવાદ દરમિયાન મોત થયું હતું. જ્યારે આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય 4 ઇસમોનું સારવાર દરમિયાન મોત થયું છે.

સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા સોની પાર્ક વિભાગ-2 ખાતે રહેતા ઓમપ્રકાશ ત્રિભુવન ગૌડ(24) મીલમાં કલર સ્ટોરમાં નોકરી કરે છે. તેમના રૂમમાં તેમની સાથે અન્ય 6 સાથીઓ પણ રહે છે અને ડાઈંગ મીલમાં તેમજ કાપડ માર્કેટમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. 14 જુલાઇ શનિવારે રાત્રે ઓમપ્રકાશભાઈ તેમજ તેમની સાથે રૂમમાં રહેતા રોહીતસિંગ દલપ્રતાપ ગૌડ(18), જયલાલ ભગત સિંગ(22) રામબહાદુર દેવલાલ સિંગ(28) અને શિવ પ્રતાપ ગૌડ(19) રૂમમાં સુતા હતા.

રાત્રી દરમિયાન રૂમમાં મુકેલા ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હતો અને રાત્રે 3:30 વાગ્યાના અરસામાં કોઈક રીતે ગેસને સ્પાર્ક મળી જતા ધડાકા થયો હતો. રૂમમાં પ્રસરેલા ગેસમાં ધડાકો થતા રૂમમાં સુતેલા ઓમપ્રકાશ સહિતના પાંચેય યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તમામ ઘરવખરીનો સામાન પણ બળી ગયો હતો.

ધડાકાનો અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા. પાંચેય યુવકો ગંભીર રીતે દાઝેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક પાંચેયને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાંચ પૈકી 1 ઇસમનું ઘટનાના જ દિવસે ટૂંકી સારવાદ દરમિયાન મોત થયું હતું. જ્યારે આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય 4 ઇસમોનું સારવાર દરમિયાન મોત થયું છે.

(5:06 pm IST)