Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અવ્વલ ફાઉન્ડેશન ૨૦૦ વૃદ્ધને લઇ ૮ દિવસની યાત્રા પર જશે

સામાજિક પ્રેરણા પૂરો પાડતો અનોખો કિસ્સોઃ આજના જમાનામાં જયારે સંતાનો માતા-પિતાના નથી થતાં, ત્યારે ફાઉન્ડેશનનું વૃધ્ધોને યાત્રા કરાવવાનું સેવાકાર્ય

અમદાવાદ, તા.૨૦: આજના જમાનામાં જયારે સંતાનો પોતાના સગા માતા-પિતાના નથી થતાં ત્યારે ઘાટલોડિયાના અવ્વલ ફાઉન્ડેશન દ્વારા સંસ્થામાં રહેતા અને શહેરના અન્ય વૃધ્ધાશ્રમોમાં રહેતા વૃધ્ધો સહિતના જરૂરિયાતમંદ વૃધ્ધોને ગોકુળ, મથુરા, વૃંદાવન સહિતની પવિત્ર યાત્રાએ લઇને નીકળ્યા છે. આજે એવો કળિયુગ આવ્યો છે કે, સંતાનો જનમ આપનાર માવતરને જ બોજો માની પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી અમાનવીય રીતે વયોવૃધ્ધ અને ઘડપણની લાચાર અવસ્થામાં લાકડી અને ચશ્માના સહારે પાછલુ જીવન વીતાવવા મજબૂર બનેલા માતા-પિતાને ઘરડાઘર-વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે અને સમાજની લાજ શરમને પણ નેવે મૂકી દેતા હોય છે ત્યારે આવા વૃધ્ધાશ્રમો આવા તરછોડાયેલા માવતર અને વૃધ્ધોને એક પરિવારની જેમ હુંફ આપી તેમના ઘડપણનો મજબૂત સહારો બનતા હોય છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણકયપુરી બ્રીજની નીચે આવેલા અવ્વલ ફાઉન્ડેશન દ્વારા પણ એક અનોખા અભિગમ સાથે સમાજના ૨૦૦ વૃધ્ધોને ગોકુળ, મથુરા, વૃંદાવન સહિતના તીર્થધામોની યાત્રાએ લઇ જવાયા છે. ઘડપણમાં ચાલવા માટે પણ કોઇકનો સહારો શોધતાં અને બે ઘડી હુંફ માત્રની આશા રાખતાં લાચાર બનેલા આ વૃધ્ધોની યાત્રાને લઇ અવ્વલ ફાઉન્ડેશનના સંચાલક બીનાબહેન પટેલ અને મેનેજીંગ ટ્રસ્ટી અભિશાર કલાલે જણાવ્યું હતું કે, સમાજમાં વૃધ્ધોની ઘડપણની અવસ્થા ભારે લાચારીભરી અને દયનીય હોય છે ત્યારે તેઓને માત્ર પ્રેમ અને હુંફની જ જરૂર હોય છે. આખી જીંદગી નોકરી અને ઘરની સેવા-ચાકરી કરનારા માતા-પિતાને જયારે તેમના જ સંતાનો વૃદ્ધાશ્રમમાં મૂકીને જતા રહે છે તે આઘાતજનક સ્થિતિનું વર્ણન શકય નથી પરંતુ અલબત્ત, સમાજમાં વૃધ્ધાશ્રમ આવા તરછોડાયેલા વૃધ્ધો માટે એક આશીર્વાદસમાન આશ્રયસ્થાન ચોકક્સપણે બની રહે છે. અમે ધડપણમાં લાચારીભરી અવસ્થામાં જીવવા મજબૂર બનેલા વૃધ્ધોને તેમની ઇચ્છા પ્રમાણે પવિત્ર તીર્થધામોની યાત્રા કરાવવાના ઉમદા આશયથી તેઓ માટે ખાસ યાત્રાનું આયોજન કર્યું છે. સામાન્ય રીતે વૃધ્ધાવસ્થામાં દરેક વ્યકિતની તીર્થયાત્રા કરવાની ઇચ્છા હોય છે અને તીર્થધામોમાં પ્રભુના દર્શન કરી ધન્યતા-કૃપા પ્રાપ્ત કરવાનું સપનું હોય છે પરંતુ વૃધ્ધાશ્રમમાં આવ્યા બાદ તેઓની આ ઇચ્છા ઘણીવાર પૂરી થતી નથી હોતી. પરંતુ અવ્વલ ફાઉન્ડેશને વૃધ્ધાવસ્થાની પીડા અને તેમની દિલની ઇચ્છા પૂર્ણ કરવાના હેતુસર જ સંસ્થામાં રહેતા વૃધ્ધો સહિત શહેરના અન્ય વૃધ્ધાશ્રમો તેમ જ અન્ય જરૂરિયાતમંદ વૃધ્ધો મળી કુલ ૨૦૦ વૃધ્ધોને આ યાત્રામાં સમાવ્યા છે. તમામ વૃધ્ધજનોની સારસંભાળ અને ખાસ કરીને તેમના આરોગ્યની કાળજી માટે બે જનરલ ફીઝીશીયન અને વોલેન્ટીયર્સની ટીમને પણ સાથે રાખવામાં આવી છે. સાત દિવસની તીર્થયાત્રાએ તમામ વૃધ્ધજનોને દર્શન કરાવી, ફરાવી, મોજ મસ્તી કરાવી આઠમા દિવસે અમદાવાદ પરત લાવીશું એમ પણ અવ્વલ ફાઉન્ડેશનના સંચાલક બીનાબહેન પટેલ અને મેનેજીંગ ટ્રસ્ટી અભિશાર કલાલે ઉમેર્યું હતું. આજથી આઠ દિવસની તીર્થયાત્રાએ ઉપડેલા ૨૦૦ વૃધ્ધજનોની આંખોમાં એક ખાસપ્રકારનો ઉત્સાહ અને ઉમંગ નજરે પડતો હતો કે જે જવાબદારી તેમના સંતાનોની હતી, તે તેઓએ નહી નિભાવતાં તેમનો આશ્રયસ્થાન બનેલ અવ્વલ ફાઉન્ડેશન નિભાવી રહ્યું હતું. ઘરડા માણસોની ખુશીને જોઇને યાત્રામાં જોડાયેલ સૌકોઇના હૃદય ભાવુક થઇ ગયા હતા.

(9:54 pm IST)