Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અમદાવાદ મ્યુનિ. શાળાઓમાં કન્યાઓનો ડ્રોપઆઉટ ઘટાડવા આયોજન

રોટરી ક્લબ, અમદાવાદ વેસ્ટ દ્વારા આયોજનઃ ઉમદા સેવાકાર્ય માટે ૨૯મીએ સંતુરવાદક રાહુલ શર્મા, સેન્ડ આર્ટિસ્ટ વેણુગોપાલ અદ્ભુત પરફોર્મન્સ રજૂ કરશે

અમદાવાદ, તા.૨૦: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ સ્કોલરશીપ આપવા, ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનવા તેમજ કન્યાઓમાં માસિકને કારણે ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવાના એક ઉમદા સેવા કાર્યના ભાગરૂપે રોટરી કલબ, અમદાવાદ વેસ્ટ દ્વારા તા.૨૯મી જૂલાઇએ શહેરમાં પંડતિ દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મોન્સૂન મસ્તી સંતુર એન્ડ સેન્ડ આર્ટના ફ્યુઝન પ્રોગ્રામનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ શાળાની બાળાઓના ડ્રોપઆઉટ રેશ્યો ઘટાડવાના હેતુથી આ ઉમદા સેવા કાર્ય માટે પંડિત શિવકુમારના પુત્ર અને સુપ્રસિધ્ધ સંતુરવાદક રાહુલ શર્મા અને જાણીતા સેન્ડ આર્ટિસ્ટ વેણુગોપાલ દ્વારા અદ્ભુત ફયુઝન સાથેનું પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે એમ અત્રે રોટરી કલબ, અમદાવાદ વેસ્ટના પ્રમુખ સંદેશ મુદ્રા અને પ્રોજેકટ ચેરમેન કિરણ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રોટરી કલબ દ્વારા લિટરસી મીશન, પ્રોેજેકટ ડિગ્નીટી, એડલ્ટ લિટરસી અને બેક ટુ સ્કૂલ સહિતના અનેક જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં મ્યુનિસિપલ શાળાઓમાં રોટરી કલબની આ ઝુંબેશ અને જાગૃતિ કાર્યક્રમોને પગલે અમદાવાદની ૧૦૭ મ્યુનિસિપલ શાળાઓમાં બાળા-કન્યાઓની હાજરીમાં ૪૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં રોટરી કલબ શહેરની તમામ ૩૦૦થી વધુ મ્યુનિસિપલ શાળાઓમાં આ જાગૃતિ ઝુંબેશ ચલાવશે. આ જાગૃતિ ફેલાવવા સહિતની કામગીરી માટે આવશ્યક ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા ૨૯ જુલાઇ, ૨૦૧૮ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ એન્ડ હોલ ખાતે મોનસૂન મસ્તી સંતુર એન્ડ સેન્ટ આર્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત સંતુરવાદક રાહુલ શર્મા અને તેની સાથે જાણીતા સેન્ડ આર્ટિસ્ટ વેણુગોપલ અદ્ભુત ફ્યુઝન રજૂ કરશે. રોટરી ક્લબની ટીચ પ્રોજેક્ટ્સ હેઠળની વિવિધ પહેલ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવામાં આ પ્રોગ્રામ મદદરૂપ બનશે. ગ્લોબલ હોસ્પિટલ, સિંધુભવન પણ આ સેવાકાર્યમાં સહભાગી બની છે. ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા બાળકો અને પુખ્તવયના લોકોને શિક્ષિત કરવા માટે ટીચ પ્રોજેક્ટ્સ હેઠળ વિવિધ પહેલ કરવામાં આવી છે, જેમાં બેક ટુ સ્કૂલ, પ્રોજેક્ટ ડિગ્નિટી, પ્રોઢ શિક્ષણ, હેપ્પી સ્કૂલ વગેરે પહેલ સામેલ છે. આ માટે ક્લબ દ્વારા કેટલીક શાળાઓ દત્તક પણ લેવાઇ છે. મહત્વપૂર્ણ છે કે ક્લબ દ્વારા એજ્યુકેશન કાઉન્સિલિંગ મારફતે ક્ષમતા નિર્માણ અને જરૂરિયાતમંદ બાળકોને સ્કોલરશીપ આપીને તેમને જીવનમાં આગળ વધવા માટે મદદરૂપ બનવામાં આવે છે. એટલું જ નહી, રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ધોરણ-૮ના અભ્યાસ બાદ શાળા છોડી જતાં બાળકો અને તેમના વાલીઓનું કાઉન્સેલીંગ કરી તેમને પુનઃ અભ્યાસ ક્ષેત્રે વાળવામાં આવે છે અને તેમને અભ્યાસમાં આર્થિક મદદથી લઇ તમામ સહાય પૂરી પડાય છે.

આ ઉપરાંત માસિકના કારણે શાળામાં ન આવતી કન્યાઓને મદદરૂપ બનવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ કન્યાઓને વિનામૂલ્યે નેપકીન્સનું વિતરણ સહિતની કામગીરી કરાય છે. અમદાવાદ શહેરમાંથી ૧૭,૦૦૦થી વધુ કન્યાઓને વિનામૂલ્યે સેનેટરી નેપકીન્સનું વિતરણ કરવાનું રોટરી ક્લબનું આયોજન છે.

(9:52 pm IST)