Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ટ્રાન્સપોર્ટર્સની હડતાળના લીધે અબજો રૂપિયાનું નુકસાન થયું

દેશમાં ૯૫ લાખ ટ્રકો-લક્ઝરીના પૈડા થંભી ગયાઃ અગત્યના કન્સાઇનમેન્ટ્સ અને માલ-સામાનનું પરિવહન થંભ્યુ : લક્ઝરી બસો ઠપ થતાં હજારો યાત્રી રઝળી પડયા

અમદાવાદ, તા.૨૦: આજથી દેશભરના ટ્રાન્સપોર્ટર્સની બેમુદતી હડતાળ શરૂ થઇ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાં આશરે ૯૫ લાખ જેટલી ટ્રકો અને લક્ઝરી બસોના પૈડા થંભી ગયા છે, જેને લઇ અગત્યના કન્સાઇનમેન્ટ્સ અને માલ-સામાનનું પરિવહન પણ થંભી ગયું છે તો, લકઝરી બસો ઠપ્પ થતાં હજારો મુસાફરો રઝળી પડયા હતા. અટવાયેલા મુસાફરો એસ.ટી, રેલ્વે અને ખાનગી ટેક્સના સહારો લેવા મજબૂર બન્યા હતા. તો, આ તકનો ફાયદો ઉઠાવી ટેક્સીવાળાઓ બેથી ચાર ગણાં ભાડા મુસાફરો પાસેથી વસૂલ્યા હતા. ટ્રાન્સપોર્ટ એસોસિયેશનને એક દિવસ માટે સહકાર આપવાના મુદ્દે આજે રાજ્યભરની ખાનગી લક્ઝરી બસ સેવા બંધ રહેતાં હજારો મુસાફરો અટવાયા હતા. ટ્રાન્સપોર્ટર્સની રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે રોજનું અબજો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. અમદાવાદથી ભાવનગર, મહેસાણા કે રાજકોટ, વડોદરા જતી ખાનગી ટ્રાવેલ્સની બસોની કિંમત કરતાં બમણા ભાવ ખાનગી ટેકસી સંચાલકો વસૂલી રહ્યા છે. પ્રવાસીઓ પણ મજબૂરીથી ચૂકવી રહ્યા છે. સૌરાષ્ટ્ર તરફ જતી બસો મોટા ભાગે નહેરુનગર, ગીતામંદિર અને ઇસ્કોન તથા ઉજાલા સર્કલથી પેસેન્જર્સ લે છે. આજે આ તમામ સ્થળોએ મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. એસટીમાં ઓનલાઇન બુકિંગ કરવા નહીં ટેવાયેલા મુસાફરો એસટી બસમાં બેસવા પડાપડી કરી રહ્યા હતા. અમદાવાદ શહેરથી રાજ્યભરમાં સુરત, રાજકોટ, ભાવનગર, અમરેલી વગેરે સ્થળોએ દર કલાકે ઉપડતી પ૦૦ જેટલી ખાનગી લકઝરી બસો આજે એક દિવસ માટે બંધ રહી છે. ગઇકાલથી જ બસ સંચાલકોએ તેમના આજથી શરૂ થતાં બુકિંગ લીધાં નથી. ગઇકાલ રાતના ૧ર વાગ્યાથી આજ રાતના ૧ર વાગ્યા સુધી લકઝરી બસો બંધ રહી હતી. ટૂર્સ  એન્ડ ટ્રાવેલ્સની બસોના પિકનિક કે સેમિનાર જેવા પ્રસંગોએ થયેલા બુકિંગ રદ કરાયાં હતા. અનિવાર્ય સંજોગો અને ત્રણ મહિના પહેલાં થયેલાં કૌટુંબિક પ્રસંગોના બુકિંગ ચાલુ રખાયા છે પરંતુ ગણ્યાગાંઠ્યા આવાં બુકિંગ હોવાના કારણે આજે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. મોટાભાગના પ્રવાસીઓને લકઝરી બસો બંધ હોવાની ખબર નહીં હોવાના કારણે સામાન સાથે જે તે બસ પિકઅપ પોઇન્ટ પર પહોંચી ગયેલા પ્રવાસીઓ અટવાઇ ગયા હતા. ડીઝલના ભાવમાં ઓઇલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલો બેફામ વધારો, સરકારની ટોલ ટેક્સની નીતિ, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રિમિયમમાં કરવામાં આવેલો વધારો, જીએસટીના ઇ-વે બિલ સંદર્ભે સરકારની નીતિ અને પડતર પ્રશ્નોને લઇને ગુજરાત સહિત દેશભરના ટ્રાન્સપોર્ટરો દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરી ગયા છે. જેના પગલે ગુજરાતમાં એક અંદાજ મુજબ નવ લાખ ટ્રકમાં પૈંડાં થંભી ગયાં છે. ટ્રાન્સપોર્ટ સેકટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે હડતાળના પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને એક અંદાજ મુજબ રોજનું ચાર હજાર કરોડથી વધુનું નુકસાન થશે. એટલું જ નહીં કાચા માલ તથા તૈયાર માલનું પરિવહન પણ થંભી જશે. જેના કારણે ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ઉપપ્રમુખ મૂકેશ દવેના જણાવ્યા પ્રમાણે હડતાળના પગલે નવ લાખ ટ્રકોનાં પૈંડાં થંભી જતાં તથા અન્ય ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ તેની સીધી અસર પડશે. જો કે ઇમરજન્સી સેવામાં હડતાળના કારણે કોઇ મુશ્કેલી ઊભી ન થાય તે જોવાશે. ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે સમગ્ર દેશભરમાં હડતાળનો કોલ આપ્યો છે. સમગ્ર દેશમાં ૯પ લાખ ટ્રકો-લકઝરી બસોનાં પૈડાં થંભી ગયા છે.

(9:51 pm IST)