Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જારી : ઉંમરપાડામાં ૭ ઇંચ વર્ષા

રાજ્યના ૮૪ તાલુકાઓમાં ૨૪ કલાકમાં વરસાદ નોંધાઈ ગયો : અંકલેશ્વરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ : નેત્રંગ, સાગબારા, હાંસોટમાં ચાર ઇંચથી વધારે વરસાદ : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ

અમદાવાદ, તા.૨૦ : દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના ઉંમરપાડામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. સુરત જિલ્લામાં આ વિસ્તારમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ અંકલેશ્વરમાં પાંચ ઇંચ, નેત્રંગ, સાગબારા, હાંસોટમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો હતો જ્યારે દાહોદમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાંબક્યો હતો. વાળિયા અને માંગરોળમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો હતો. ભરુચ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. ડેડિયાપાડામાં ત્રણ ઇંચથી આસપાસ વરસાદ નોંધાયો છે. અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યથાવતરીતે જારી છે. ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાએ તબાહી અને તારાજી સર્જયા બાદ કંઇક અંશે જોર ધીમું પાડતાં ત્યાંના લોકોએ ભારે રાહતનો દમ લીધો હતો. બીજીબાજુ, હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પોતાની કૃપા વરસાવવાનું છેલ્લા બે દિવસથી શરૂ કર્યું છે. જેમાં આજે અમદાવાદ, મહેમદાવાદ, વડોદરા, બનાસકાંઠામાં દાંતા, પાલનપુર, બાયડ, મોડાસા, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં આજે પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રાજયમાં આજે સૌથી વધુ વરસાદ દાંતામાં પાંચ ઇંચથી વધુ, મહેમદાવાદમાં પાંચ ઇંચ, વઘઇ અને શહેરામાં પણ પાંચ-પાંચ ઇઁચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજયના ૮૪ તાલુકાઓમાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.   સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના પંથકોમાં ગઇકાલથી મેઘરાજાએ આઠ-નવ દિવસની ધમાકેદાર ઇનીંગ બાદ કંઇક અંશે વિરામ લીધો હતો અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટયુ હતુ. મેઘરાજાએ પોરો ખાતાં અને વરસાદી જોર ઘટતાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હવે ધીરે ધીરે વરસાદના અને પૂરના પાણી ઓસરી રહ્યા છે. બીજીબાજુ, મેઘરાજાએ આજે પોતાનો રૂટ જાણે બદલ્યો હોય એમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પોતાની મહેર વરસાવી હતી. જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ હળવા ઝાપટા ચાલુ રાખ્યા હતા. પરંતુ રાજયમાં આજે સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના દાંતામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો, મહેમદાવાદ, વઘઇ, શહેરા સહિતના તાલુકાઓમાં પણ પાંચ ઇઁચ જેટલો વરસાદ નોંધાતા લોકો ખુશખુશાલ બન્યા હતા અને વરસાદી માહોલની મોજ માણતાં નજરે પડયા હતા. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે તા.૨૦-૭-૨૦૧૮ના રોજ સવારે સાત વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમ્યાન ધનસુરા તાલુકામાં ૧૨૦ મિમી, ભિલોડામાં ૧૧૫ મિમી, ખેરગામ-સતલાસણામાં ૧૧૨ મિમી, ખંભાતમાં ૧૦૯ મિમી, વાંસદામાં ૧૦૫ મિમી, વલસાડમાં ૧૦૧ મિમી, ડાંગમાં ૯૯ મિમી મળી કુલ આઠ તાલુકાઓમાં ચાર ઇઁચથી વધુ વરસાદ નોંધાયો હતો., જયારે આણંદ-વડોદરામાં ૯૭ મિમી, અમીરગઢમાં ૮૮ મિમી, મેઘરજમાં ૭૫ મિમી, ધરમપુરમાં ૭૬ મિમી, વિજયનગરમાં ૭૪ મિમી, બાયડમાં ૭૩ મિમી, મોડાસા-ખાનપુરમાં ૭૨ મિમી મળી કુલ ૧૩ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ઇડર, ધોલેરા, છીકળી, પારડી, આંકલાવ, કપરાડા, બેચરાજી-માલપુર, છોટાઉદેપુર-દેવગઢ બારિયા સહિતના કુલ ૨૦ તાલુકાઓમાં બે ઇઁચથી વધુ અને અન્ય ૩૭ તાલુકાઓમાં એક ઇઁચથી વધુ વરસાદ નોંધાયો હતો.   દરમ્યાન આજે સવારે આઠથી દસ વાગ્યા દરમ્યાન સતલાસણા તાલુકામાં બે ઇંચથી વધુ અને ખેરગામ, વાંસદા, ધરમપુર, પાટડી, ફતેપુરા, વઘઇ, માંડવી, અમીરગઢ, કપરાડા, વલસાડ, દાહોદ, ઝાલોદ મળી કુલ ૧૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેને પગલે સ્થાનિક પ્રજાજનો અને ખેડૂતોએ ભારે ખુશીની લાગણી વ્યકત કરી હતી.

૨૪ કલાકમાં વરસાદ..

        અમદાવાદ, તા. ૨૦ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ૮૪ તાલુકાઓમાં વરસાદ થયો છે. ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

દાંતા........................................... પાંચ ઇંચથી વધુ

મહેમદાવાદ................................. પાંચ ઇંચથી વધુ

વઘઈ.......................................... પાંચ ઇંચથી વધુ

શહેરા.......................................... પાંચ ઇંચથી વધુ

ધનસુરા........................................ ચાર ઇંચથી વધુ

ભીલોડા........................................ ચાર ઇંચથી વધુ

ખેરગામ-સતલાસણ....................... ચાર ઇંચથી વધુ

ખંભાત......................................... ચાર ઇંચથી વધુ

વાસંદા......................................... ચાર ઇંચથી વધુ

વલસાડ....................................... ચાર ઇંચથી વધુ

આણંદ.......................................... ત્રણ ઇંચથી વધુ

વડોદરા........................................ ત્રણ ઇંચથી વધુ

(8:23 pm IST)