Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

આણંદ નજીક કરમસદમાં બિલ્ડકોનના માલિકો વિરુદ્ધ લાખોની છેતરપિંડીની ફરિયાદ દાખલ

આણંદ: નજીક આવેલા કરમસદમાં સાંઈધામ રેસીડેન્સીના નામે મકાનો બાંધી આપવાની સ્કીમ મુકીને ૨૫થી વધુ વ્યક્તિઓ પાસેથી બાનાખત કરીને લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ મકાનો બાંધી નહીં આપીને તેમજ પૈસા પણ પરત નહી ંઆપીને છેતરપીંડી અને વિશ્વાસઘાત કરનાર ગજાનંદ બીલ્ડકોનના માલિકો વિરૂધ્ધ વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર સને ૨૦૧૬માં બોરસદ તાલુકાના કાલુ ગામે રહેતા ફરિયાદી મહેશભાઈ મફતભાઈ પારેખે એક અખબારમાં સાંઈધામ રેસીડેન્સીની જાહેરાત વાંચીને આપેલા સરનામે સંપર્ક કર્યો હતો જ્યાં કરમસદ ગામની સીમમાં આવેલી સાઈટ પર ગજાનંદ બીલ્ડકોનના નીખીલભાઈ મહિપતભાઈ રાજગુરૂ મળ્યા હતા. જેમને મકાન લેવાની વાત કરતા ટુ બીએચકેવાળુ એક મકાન ૧૩ લાખમાં વેચવાનું જણાવ્યું હતુ જે પસંદ પડતાં બે લાખ રૂપિયા આપીને બુકીંગ કરાવ્યું હતુ જે તે વખતે બાનાખત પણ કરી આપ્યો હતો અને ત્યારબાદ ટુકડે-ટુકડે થઈને કુલ ચાર લાખ એમ મળીને કુલ છ લાખ આપવામાં આવ્યા હતા. 
આ વાતને ઘણો સમય વીત્યો હોવા છતાં પણ ગજાનંદ બિલ્ડકોનના માલિકો દ્વારા મકાન બાંધી આપતા નહોતા અને પૈસા પણ પરત આપતા નહોતા જેથી સાઈટ પર જઈને તપાસ કરતાં મકાનો અધુરા બાંધકામવાળા મળી આવ્યા હતા. આ શખ્સો દ્વારા મહેશભાઈ ઉપરાંત બીજા ૨૫થી વધુ પાસેથી પણ મકાનના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા અને વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી. જે અંગે વિદ્યાનગર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે નીખીલભાઈ રાજગુરુ, નયનાબેન રાજગુરુ, કુશલ વિનોદભાઈ ભટ્ટ તથા હર્ષ વિનોદભાઈ ભટ્ટ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(6:44 pm IST)