Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાજપીપળાના પાલિકા ભાજપી મહિલા ઉપપ્રમુખનું આદિજાતિ પ્રમાણપત્ર રદ્દ થવાનો નિર્ણય યોગ્ય : હાઇકોર્ટ

આદિવાસી યુવક સાથે લગ્ન કરવાથી આદિવાસી હોવાનો દરજ્જો ન મળે : હાઇકોર્ટ

રાજકોટ તા. ૨૦ : નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકાના ઉપપ્રમુખ ગીતા વસાવાનુ આદિજાતિ(અનુસૂચિત જનજાતિ)નું પ્રમાણપત્ર રદ કરવાના વિજિલન્સ સમિતિના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે યોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે આદિવાસી યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાવાથી આદિવાસી હોવાનો દરજ્જો મળી શકે નહીં.

કેસની વિગત એવી છે કે રાજપીપળા નગરપાલિકના ઉપપ્રમમુખ તરીકે ગીતા વસાવા ભાજપના મેન્ડેટ પર અનુસૂચિત જનજાતિ(એસ.ટી.)ના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ આદિવાસી ન હોવાની ફરિયાદો રાજય સરકારને મળતા સરકારની વિજિલન્સ સમિતિએ તપાસ હાથ ધરી હતી.

તપાસમાં બહાર આવ્યું હતું કે ગીતા વસાવાના પિતા સોની જ્ઞાાતિના છે અને માતા વસાવા જ્ઞાાતિના એટલે કે આદિવાસી છે. જાતિ કે જ્ઞાાતિનો દરજ્જો પિતાની જ્ઞાાતિના આધારે મળતો હોવાથી આદિજાતિ વિકાસ કમિશનરે ગીતા વસાવાનું આદિવાસી(અનુસૂચિત જનજાતિ)નું પ્રમાણપત્ર રદ કર્યુ હતું.

જેની સામે ગીતા વસાવાએ હાઈકોર્ટમાં દાદ માગી રજૂઆત કરી હતી કે તેમના માતા આદિવાસી હતા ઉપરાંત તેમણે આદિવાસી જ્ઞાતિના જ મહેશ વસાવા સાથે લગ્ન કર્યા છે. જેની સામે કોર્ટે નોંધ્યુ હતું કે માત્ર લગ્નગ્રંથિથી આદિવાસી હોવાનો દરજ્જો મળે નહીં. આ નોંધ કરી હાઈકોર્ટે ગીતા વસાવાની અરજી ફગાવી છે.

(12:37 pm IST)