Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી મંદિરના દ્વાર ખુલતા ઉમટી ભક્તોની ભીડ

રવિવારે હજારોની સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ મા મહાકાળી માતાજીના મંદિરને કોરોના મહામારીને પગલે બે મહિના બાદ ભાવિક ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યા બાદના પહેલા રવિવારે હજારોની સંખ્યામાં. માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વરસાદ વરસતાને ડુંગર ઉપરથી વાદળા અથડાઈને જતાં યાત્રાળુ ઓએ દર્શનની સાથે આહલાદક વાતાવરણની મજા માણી હતી.

મા મહાકાળી માતાજીના મંદિરનો નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે બે માસ જેટલો સમય બંધ રહ્યા બાદ પાંચ દિવસ અગાઉ નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકાયા બાદ આ બીજો રવિવાર હતો. હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે હર્ષ ઉલ્લાસ સાથે ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તોમાં આનંદની લાગણી જોવા મળતી હતી. શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મા કાલીના દર્શનનો રવિવારના રોજ ભક્તોમાં વિશેષ મહિમા હોય છે. જેના પગલે રવિવારના રોજ વહેલી સવારથી જ ભક્તો નિજ મંદિર તરફ પ્રયાણ કરતા જોવા મળતા હતા.

ભક્તો નિજ મંદિર ખાતે પહોંચી જય માતાજીના ભારે ઘોષનાદ સાથે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરેલ હતી. તેમજ રવિવારે વહેલી સવારથી સમ્યાંતરે વરસાદ વરસતો હતો ને વાદળા ડુંગરને અથડાઈને જતા હોવાથી, ડુંગર ઉપર ઘાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેથી યાત્રાળુઓએ માતાજીના દર્શનની સાથે એક હિલ સ્ટેશને હોય તેવા આહલાદક વાતાવરણની અનુભુતિ કરતા આનંદિત થઈ ગયા હતા. જ્યારે એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ સરકારની કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરવા એક સાથે વધુ યાત્રિકો ભેગા ન થઈ જાય તે માટે પાવાગઢ પોલીસ દ્વારા થોડા થોડા સમય માટે યાત્રિકોને તળેટી ખાતે રોકી રાખવામાં આવતા હતા. છતાય લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

બાદમાં જેમ જેમ યાત્રિકો માતાજીના દર્શન કરી પરત ફરે અને માંચી ખાતે ટ્રાફિક હળવો થાય ત્યાર બાદ જ તળેટીમાં રહેલાં વાહનો ઉપર જવા દેવામાં આવતા હતા. જેને લઇ થોડાક સમય માટે તળેટી ખાતે વધુ ટ્રાફિક થયેલો જોવા મળ્યો હતો. જોકે પોલીસ તંત્ર દ્વારા વધુ ભીડ ભેગી ના થાય અને કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય તેવી રીતે યાત્રિકોને ઉપર જવા દેવામાં આવતા હતા

 
(9:39 pm IST)