Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ટ્રેલર સહિત ૪ વાહનો વચ્ચે અકસ્માત : એકનું કરૂણ મોત

બનાસકાંઠાના એલિવેટેડ બ્રિજ પર અકસ્માત : અન્ય પાંચ જેટલા મજૂરોને ગંભીર ઇજા થતાં સારવાર માટે અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે

બનાસકાંઠા,તા.૨૦ : ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ડીસામાં બનેલા આ બ્રિજના ઉદ્ઘાટન પહેલા જ એક ટ્રેલર ચાલકે કામ કરતા મજૂરોને અડફેટે લઈ કચડતા એક લેબર કોન્ટ્રાક્ટરનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ જેટલા મજૂરોને ગંભીર ઇજા થતાં સારવાર માટે અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ગુજરાતનો સૌથી લાંબો અને ભારતમાં બીજા નંબરના એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે ૨૭ પર બનેલા એલિવેટેડ બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે બ્રિજ પર ૧૫ જેટલા મજૂરો સેફટી બોર્ડ મૂકીને કામ કરી રહ્યા હતા. તે સમયે એક બેફામ બનેલા ટ્રેલર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કામ કરી રહેલા મજુરોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

        અકસ્માતમાં ટ્રેલર નીચે આવી કચડાઇ  જતા ૨૮ વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર જયેશભાઈ ચૌધરીનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ જેટલા મજુરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટ્રેલર ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરતા કામ કરી રહેલા મજુરોની સાથે એક બાઈક, એક બ્રિઝા ગાડી અને બે જીપડાલાને પણ અડફેટે લેતા નુકસાન થયું હતું. બનાવને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની ટીમ સહિતે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતમાં પ્રત્યક્ષદર્શી ઇજાગ્રસ્ત ક્વોલિટી એન્જિનિયર મશરૂભાઈ પટેલે વધુ વિગત જણાવી હતી. નોંધનીય છે કે, આકાશી દ્રશ્યમાં સાપના લીસોટા જેવો લાગતો આ બ્રીજ બનાસકાંઠાના ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.૨૭ ઉપર બનેલા ગુજરાતના સૌથી લાંબા એલીવેટેડ કોરીડોરના છે. જે ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જોડતો ઇસ્ટ-વેસ્ટ કોરીડોર છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂ.૨૨૨ કરોડના ખર્ચે માત્ર ૨ વર્ષમાં તૈયાર કરાયેલા ૩.૭૫૦ કિલોમીટર લાંબા આ કોરીડોરમાં ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ૪ લેન ઉપર અને ૪ લેન નીચે તેમજ ૨ લેનવાળા બંને તરફ સર્વિસ રોડ બનાવાયાં છે.

(7:43 pm IST)