Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ફિલ્મી સ્ટાઇલે સંતાડેલો ૨૫૦ પેટી કરતાં વધુ દારૂ ઝડપાયો

વડોદરામાં દારૂબંધીના ધજાગરા : રાજ્યમાં કડક દારૂબંધી છે ત્યારે બીજી બાજુ અવારનવાર ગાડીઓની ગાડીઓ ભરાઈને દારૂ રાજ્યમાં પહોંચી જાય છે

વડોદરા,તા.૨૦ : વડોદરામાં દારૂબંધીના કાયદાની મજાક ઉડાવતી ઘટના સામે આવી છે. શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસે આરએમસી મશીનમાંથી અંદાજીત ૨૫૦ પેટી કરતા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, આ દારૂ પણ પોલીસને શંકા ન જાય તેવી રીતે છૂપાવવામાં આવ્યો હતો. બનાવની વિગતો એવી છે કે ગઈકાલે રાતે પોલીસે કુખ્યાત બૂટલેગર વિક્રમ લાલડાયરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આરએમસી મશીનમાં સંતાડેલો દારૂનો જથ્થો એટલો હતો કે એને ખાલી કરવા પોલીસ મથકના લગભગ બધા સ્ટાફને કામે વળગવું પડ્યું હતુ. જોકે, પોલીસે સત્તાવાર રીતે આ દારૂ વિક્રમ લાલડાયરીનો હોવા અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ પાણીગેટ પોલીસે રાત્રે ૧.૦૦ વાગ્યાના સુમારે આટલી મોટી માત્રામાં દારૂ ઝડપી અને આખું મશીન પોલીસ સ્ટેશન લઈ આવવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પાણી ગેટે પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યા હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી ગયા હતા અને ધીરે ધીરે વોટ્સએપ પર વીડિયો અને તસવીરો વાયરલ થવા લાગી હતી.

     આ લાખો રૂપિયાનો દારૂ આરએમસી મશીનમાં કેવી રીતે ગોઠવ્યો અને કોણ લાવ્યું તે તો તપાસના અંતે જ જાણી શકાશે. એક બાજુ રાજ્યમાં કડક દારૂબંધી છે ત્યારે બીજી બાજુ અવારનવાર ગાડીઓની ગાડીઓ ભરાઈને દારૂ રાજ્યમાં પહોંચી જાય છે ત્યારે બોર્ડર વિસ્તારની પોલીસને ગંધ પણ આવતી નથી એના જેવો ઘાટ સર્જાયો છે. જોકે, બોર્ડર વિસ્તારોમાં ચોકી ન હોવાથી હવે બૂટલેગરો માટે પણ મોકળું મેદાન બની ગયું છે જેના કારણે આવી સ્થિતિ સર્જાય છે ત્યારે ગાંધીના ગુજરાતમાં બૂટલેગરો મદીરાની છોળો ઉછાળી અને કાયદાને અવારનવાર પડકારી રહ્યા છે.

(7:42 pm IST)